Gujarat Rain Forecast ગુજરાતમાં અચાનક બદલાયુ હવામાન: પવન, વરસાદ અને કરા સાથે ચેતવણી, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે
Gujarat Rain Forecast : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કમોસમી વરસાદ અને જોરદાર પવનની સ્થિતિ સર્જાઈ છે. આ તરફ આજે એટલે કે, 19 માર્ચ અને બુધવારની વહેલી સવારથી જ અમદાવાદ સહિતના ઘણા શહેરોમાં તેજ પવન ફૂંકાવા લાગ્યો હતો. આશરે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રસ્તાઓ પર ધૂળ ઉડી હતી, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. કેટલાક વિસ્તારોમાં ઝાડ તૂટી પડવાના બનાવો પણ સામે આવ્યા છે.
આ તરફ બપોર પછી સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાનમાં વધુ ફેરફાર નોંધાયો હતો. રાજકોટમાં કરા સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે જામનગર અને ખંભાળિયા વિસ્તારમાં પણ તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. આ અચાનક બદલાયેલા હવામાનથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. દિવેલા, ઈસબગુલ, વરિયાળી, જીરૂ અને કેરી જેવા પાકોને નુકસાન પહોંચતા ખેડૂતોએ આર્થિક ચિંતા વ્યક્ત કરી છે.
રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. વિગતો મુજબ રાજકોટના અનેક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. આ તરફ રાજકોટમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. રૈયા રોડ પર કરા સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે તો પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. આ સાથે જીવાપર,વીસામણ,પીઠડીયા,ખાખરા,જીલરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું છે. આ તરફ હવે માવઠાથી ઘઉં,ધાણા,જીરું,રાયડો સહિતના પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ આ સ્થિતિ પાછળ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે છે. કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં કરા સાથે વરસાદની શક્યતા છે. તટીય વિસ્તારો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે પવન અને દરિયાની લહેરો ખતરનાક બની શકે છે.
આવતીકાલે ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં હળવો વરસાદ રહી શકે છે. ત્યારબાદ હવામાન ધીમે ધીમે સ્થિર થવાની શક્યતા છે. 24 કલાક પછી તાપમાનમાં વધારો જોવા મળશે અને આગામી સાત દિવસમાં તાપમાન 4 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવું જરૂરી છે. ખાસ કરીને પવન દરમિયાન ખુલ્લા સ્થળોથી દૂર રહેવું, વાહન ચલાવતા સમયે ધ્યાન રાખવું અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જોઈએ.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat Rain Forecast
