અન્ડર-19 વર્લ્ડકપ ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી ખિતાબ જીત્યો. વૈભવ સુર્યવંશીની આક્રમક બેટિંગ અને ત્યારબાદ બોલરોના શાનદાર પ્રદર્શનથી ભારતે શાનદાર જીત નોંધાવી.
IND vs ENG U-19 WC Final : ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલા ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી પરાજય આપી છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અજેય રહેલી ભારતીય ટીમે ફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કરી દેશભરના ક્રિકેટપ્રેમીઓને ગર્વની ક્ષણ આપી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ભારત માટે સંપૂર્ણ રીતે સાચો સાબિત થયો. શરૂઆતમાં એક વિકેટ વહેલી પડ્યા બાદ પણ ભારતીય ઇનિંગ્સે જોરદાર ગતિ પકડી. વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેની જોડીએ ઇનિંગ્સને સંભાળી લીધી અને પછી જે થયું તે અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ જશે.
માત્ર 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ જેવા દબાણભર્યા મુકાબલામાં વિસ્ફોટક બેટિંગ કરી ઇંગ્લેન્ડના બોલરોની લાઇન અને લેન્થ બગાડી નાંખી. તેણે 80 બોલમાં 175 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી, જેમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા શામેલ હતા. આ પારી દરમિયાન વૈભવે 55 બોલમાં સદી પૂર્ણ કરી, જે અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલની સૌથી ઝડપી સદી બની. આ સાથે જ તેણે ટૂર્નામેન્ટમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. આયુષ મ્હાત્રેએ પણ વૈભવનો ભરપૂર સાથ આપ્યો અને મહત્વપૂર્ણ અર્ધસદી ફટકારી. બંનેની ભાગીદારીથી ભારતનો સ્કોર ઝડપથી આગળ વધતો ગયો. એક સમયે ઇંગ્લેન્ડના બોલરો સંપૂર્ણ રીતે બેકફૂટ પર નજરે પડ્યા. વૈભવની વિકેટ પડ્યા બાદ પણ ભારતીય મધ્યક્રમ અને નીચલા ક્રમે ઉપયોગી યોગદાન આપ્યું, જેના પરિણામે ભારતે 50 ઓવરમાં 411/9નો વિશાળ સ્કોર ઉભો કર્યો.
412 રનના કઠિન લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ પર શરૂઆતથી જ દબાણ હતું. ભારતીય બોલરોને મળેલી મોટી લીડનો પૂરો ફાયદો થયો. શરૂઆતમાં જ મહત્વપૂર્ણ વિકેટો પડતાં ઇંગ્લેન્ડની ઇનિંગ્સ લય પકડી શકી નહીં. જોકે, બે-ત્રણ બેટ્સમેનોએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય બોલિંગ આક્રમણ સામે તેઓ લાંબો સમય ટકી શક્યા નહીં.
મધ્ય ઓવરોમાં ભારતીય સ્પિન અને પેસ બોલરોની સંયુક્ત મહેનતથી ઇંગ્લેન્ડની રનગતિ પર બ્રેક લાગી. એક સમયે સ્કોરબોર્ડ પર ઇંગ્લેન્ડ 177/7 પર સિમટાઈ ગયું હતું. અંતમાં થોડી ભાગીદારી છતાં ટીમ 40.2 ઓવરમાં 311 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે જ ભારતે મેચ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો અને 100 રનની ભવ્ય જીત નોંધાવી.
આ વિજય સાથે ભારતે અંડર-19 વર્લ્ડ કપ ઇતિહાસમાં છઠ્ઠી વખત ટ્રોફી ઉઠાવી. અગાઉ ભારતે 2000, 2008, 2012, 2018 અને 2022માં ખિતાબ જીત્યા હતા. આ ફાઇનલ ભારતનો કુલ દસમો ફાઇનલ મુકાબલો હતો, જે તેની સતત મજબૂત યુવા ક્રિકેટ પ્રણાલીની સાક્ષી આપે છે. બીજી તરફ ઇંગ્લેન્ડ હજુ સુધી માત્ર એક જ વખત, 1998માં, અંડર-19 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું છે.
વૈભવ સૂર્યવંશીની આ ઐતિહાસિક ઇનિંગ્સને ક્રિકેટ જગતમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. ટ્રોલિંગ અને ટીકાઓ વચ્ચે ફાઇનલમાં આવી અદભૂત પારી રમવી એ તેની માનસિક મજબૂતી અને પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ છે. ભારતીય ક્રિકેટ માટે આ વિજય માત્ર એક ટ્રોફી નથી, પરંતુ આવનારા વર્ષોમાં દેશને મળનારા સ્ટાર ખેલાડીઓની ઝલક પણ છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - india beat england in the final of the under 19 world cup vaibhav suryavanshi explosive batting - IND vs ENG U-19 WC Final
