નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનું બજટ 53.5 લાખ કરોડ રૂપિયા છે, જે દુનિયાના 165 દેશોની GDP કરતાં વધુ છે. છેલ્લા દાયકામાં બજટ ખર્ચમાં ત્રણગણો વધારો થયો છે.
ભારત હવે માત્ર ઉદયમાન અર્થવ્યવસ્થા નથી રહ્યું, પરંતુ વૈશ્વિક ઇકોનોમીમાં પોતાનું વજન બનાવી રહ્યું છે. તાજેતરમાં રજૂ થયેલા કેન્દ્ર સરકારના બજટે આ હકીકતને વધુ મજબૂત બનાવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2026-27 માટે 53.5 લાખ કરોડ રૂપિયા એટલે કે આશરે 583.5 અબજ ડોલરના ખર્ચનું એલાન કર્યું છે. આ આંકડો એટલો મોટો છે કે દુનિયાના 165 દેશોની કુલ GDP પણ ભારતના એક વર્ષના બજટ કરતાં ઓછી છે. આ તુલનાએ ભારતને ગ્લોબલ ઇકોનોમીનું નવું ‘બાહુબલી’ બનાવી દીધું છે.
આ બજેટ માત્ર ખર્ચનો આંકડો નથી, પરંતુ ભારતની વધતી આર્થિક શક્તિ અને સરકારના વિકાસલક્ષી અભિગમનું પ્રતિબિંબ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના બજટમાં સતત વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2025માં બજટ 48.21 લાખ કરોડ રૂપિયા હતું, જ્યારે તે પહેલાં 2023માં 45 લાખ કરોડ અને 2022માં 39.45 લાખ કરોડ રૂપિયા હતું. હવે પહેલીવાર ભારતનું વાર્ષિક બજેટ 50 લાખ કરોડની સપાટીને પાર કરીને 53.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે, જે પોતે જ એક ઐતિહાસિક ક્ષણ છે.
જો મોદી સરકારના કાર્યકાળ પર નજર કરીએ તો આ તેમનો 13મો સંપૂર્ણ બજટ છે. જુલાઈ 2014માં રજૂ થયેલા પહેલા પૂર્ણ બજટ સમયે દેશનો કુલ ખર્ચ 17.95 લાખ કરોડ રૂપિયા હતો. હવે તે વધીને 53.5 લાખ કરોડ રૂપિયા થયો છે. એટલે કે એક દાયકામાં ભારતના બજેટ ખર્ચમાં લગભગ ત્રણગણો વધારો થયો છે. ટકાવારીના હિસાબે જોવામાં આવે તો લગભગ 200 ટકાનો ઉછાળો નોંધાયો છે, જે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં પણ દુર્લભ ગણાય.
બજેટના આંકડાઓ પર નજર કરીએ તો સરકારની નોન-ડેટ રિસિપ્ટ્સ અંદાજે 36.5 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે કુલ ખર્ચ 53.5 લાખ કરોડ રૂપિયા ગણવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની નેટ ટેક્સ આવક 28.7 લાખ કરોડ રૂપિયા રહેવાની ધારણા છે. માર્કેટમાંથી લેવામાં આવનાર કુલ ઉધાર 17.2 લાખ કરોડ રૂપિયા હશે, જેમાંથી ડેટેડ સિક્યુરિટીઝ મારફતે નેટ ઉધાર 11.7 લાખ કરોડ રૂપિયા રહેશે. આ આંકડાઓ બતાવે છે કે સરકાર વિકાસ અને મૂડી ખર્ચ માટે મોટા સ્તરે સંસાધનોનું સંચાલન કરી રહી છે.
કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાના વિકાસ માટેનો ખર્ચ પણ આ બજટમાં મહત્વપૂર્ણ છે. રિવાઇઝ્ડ અંદાજ મુજબ કુલ ખર્ચમાંથી લગભગ 11 લાખ કરોડ રૂપિયા કેપેક્સ માટે ફાળવવામાં આવ્યા છે. આનો સીધો ફાયદો રસ્તા, રેલવે, ડિફેન્સ, ઉદ્યોગો અને રોજગાર સર્જનમાં જોવા મળશે. સરકારનું માનવું છે કે ઊંચો કેપેક્સ અર્થવ્યવસ્થાને લાંબા ગાળે મજબૂત બનાવશે. વિત્તીય શિસ્તના મોરચે પણ સરકાર સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહી છે. નાણાકીય વર્ષ 2026-27 માટે ફિસ્કલ ડેફિસિટ GDPના 4.3 ટકા જેટલો રાખવામાં આવ્યો છે, જે અગાઉના 4.4 ટકાથી ઓછો છે. ડેટ-ટુ-GDP રેશિયો પણ ધીમે ધીમે ઘટતો જોવા મળે છે. 2026-27ના બજટ અંદાજમાં આ રેશિયો 55.6 ટકા રહેવાની શક્યતા છે, જ્યારે 2025-26ના રિવાઇઝ્ડ અંદાજમાં તે 56.1 ટકા હતો.
સૌથી રસપ્રદ બાબત એ છે કે ભારતનો આ વાર્ષિક બજટ દુનિયાની ઘણી મોટી અર્થવ્યવસ્થાઓની GDP કરતાં પણ વધુ છે. વિશ્વની 27મી સૌથી મોટી ઇકોનોમી ગણાતું સિંગાપુર, તેની કુલ GDP અંદાજે 574 અબજ ડોલર છે, જે ભારતના બજટ કરતાં ઓછી છે. તેવી જ રીતે, 28મી ક્રમે આવતું યુએઈ, જેની GDP આશરે 569 અબજ ડોલર છે, તે પણ ભારતના બજટથી પાછળ છે. આમ, દુનિયાની 26મી સૌથી મોટી ઇકોનોમી પછીના 165 દેશોની GDP ભારતના એક વર્ષના ખર્ચ કરતાં ઓછી છે. આ તુલનાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત હવે માત્ર વિકાસશીલ દેશ નથી, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં નીતિ, ખર્ચ અને શક્તિના સ્તરે પ્રભાવ જમાવી રહ્યો છે. વિશાળ બજટ, વધતો કેપેક્સ અને સ્થિર આર્થિક દિશા ભારતને આવનારા વર્ષોમાં વધુ મજબૂત બનાવશે. વૈશ્વિક મંચ પર ભારતની આર્થિક ભૂમિકા હવે નવી ઓળખ બનાવી રહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Indian Budget 2026 Summary in Gujarati - know About indian Budget 2026
