અરવલ્લી પર્વતમાળા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સમગ્ર અરવલ્લી ક્ષેત્રમાં હવે કોઈપણ નવા ખનન પટ્ટા આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
અરવલ્લી પર્વતમાળાને લઈને લાંબા સમયથી ચાલતા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારનો આ નિર્ણય પર્યાવરણ માટે ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. બુધવારે કેન્દ્ર સરકારે સ્પષ્ટ આદેશ જારી કરીને તમામ રાજ્યોને સૂચના આપી છે કે અરવલ્લી વિસ્તારમાં હવે કોઈપણ નવા ખનન પટ્ટા મંજૂર કરવામાં નહીં આવે. આ નિર્ણયનો સીધો હેતુ અરવલ્લીના પર્યાવરણીય સંતુલનને જાળવવાનો અને વધતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓને રોકવાનો છે.
કેન્દ્રિય ર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર અરવલ્લીના પારિસ્થિતિક તંત્રના સંરક્ષણ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. મંત્રાલયે સ્વીકાર્યું છે કે અરવલ્લી પર્વતમાળા જૈવ વૈવિધ્યના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ઉત્તર ભારતના પર્યાવરણીય સંતુલન માટે તેની હાજરી અનિવાર્ય છે. આ કારણે હવે અરવલ્લીને કોઈપણ પ્રકારના નવા ખનનથી મુક્ત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અરવલ્લી પર્વતમાળા દિલ્હીથી લઈને ગુજરાત સુધી વિસ્તરેલી છે અને આ સમગ્ર પટ્ટામાં ખનનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય અને પર્યાવરણીય ચર્ચા ચાલી રહી હતી. અનેક પર્યાવરણ સંરક્ષણ સંગઠનો દ્વારા ગેરકાયદેસર ખનનને કારણે ભૂગર્ભ જળ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને થતી હાનિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સરકારનો આ નિર્ણય એ ચિંતાઓના જવાબરૂપે લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
મંત્રાલયે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી રેન્જ પર સમાન રીતે લાગુ થશે. તેનો મુખ્ય ઉદ્દેશ અરવલ્લીને એક સતત અને અખંડ ભૂગર્ભીય પર્વતમાળા તરીકે જાળવી રાખવાનો છે, જે ગુજરાતથી લઈને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સુધી વિસ્તરેલી છે. આ આદેશો દ્વારા તમામ પ્રકારની અનિયમિત અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ રીતે અંકુશ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સાથે જ કેન્દ્ર સરકારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (ICFRE)ને પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. ICFREને સમગ્ર અરવલ્લી વિસ્તારમાં એવા નવા ઝોન અથવા વિસ્તારોની ઓળખ કરવાની સૂચના આપવામાં આવી છે, જ્યાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવો જરૂરી છે. આ વિસ્તારો તે ખનન પ્રતિબંધિત વિસ્તારો ઉપરાંત હશે, જેને કેન્દ્ર સરકારે પહેલેથી જ સંરક્ષિત જાહેર કર્યા છે. આ ઓળખ પર્યાવરણીય, ભૂગર્ભીય અને લેન્ડસ્કેપ સ્તરના વૈજ્ઞાનિક માપદંડોને આધારે કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે ખાણો હાલ ચાલુ છે, તે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી રહી નથી, પરંતુ તેમની ઉપર કડક નિયંત્રણો લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારોને આદેશ આપવામાં આવ્યો છે કે હાલ ચાલી રહેલી ખનન પ્રવૃત્તિઓમાં તમામ પર્યાવરણીય સુરક્ષા પગલાંઓનું કડક પાલન કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટના આદેશોને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવામાં આવે. સરકારના જણાવ્યા અનુસાર, પર્યાવરણની સુરક્ષા અને ટકાઉ ખનન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે ચાલી રહેલી ખનન પ્રવૃત્તિઓ પર વધારાના પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. તેનો હેતુ એ છે કે ખનનથી થતી પર્યાવરણીય હાનિને ઓછામાં ઓછી રાખી શકાય અને અરાવલીના કુદરતી સ્વરૂપને લાંબા ગાળે બચાવી શકાય.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
