દેશભરમાં શિયાળો શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ સીઝનમાં પહેલીવાર ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે ગયો છે, ત્યારે દાહોદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં હાલમાં ઠંડી વધી ગઈ છે અને મોડીરાતે અને વહેલી સવારે લોકોને ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે દાહોદમાં આ સિઝનનું સૌથી ઓછું 9.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને દાહોદ સૌથી ઠંડુ શહેર બની ગયું છે. જ્યારે બીજા ક્રમે નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યભરમાં ઠંડીનું પ્રભુત્વ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ શિયાળાની કડકડતી ઠંડી પડવા લાગી છે. અહીં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી ગયું હતું, જેને લીધે ફરવા પહોંચેલા સહેલાણીઓએ ગુલાબી ઠંડીનો અહલાદક અનુભવ કર્યો.
આબુમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઠંડીની મોજ લેવા પહોંચ્યા છે. આબુમાં લોકોએ તળાવમાં બોટિંગ કરીને કુદરતી ઠંડકનો અનુભવ કર્યો હતો. તો ઠંડીને કારણે કારના કાચ પર પણ બરફની ચાદર જામી ગઈ હતી. ઠંડીની સિઝનમાં ગુજરાતીઓનું પસંદીદા સ્થળ માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ ડિગ્રીમાં પહોંચ્યું. ત્યારે કડકડતી ઠંડીની મજા માણવા સહેલાણીઓની સંખ્યા વધી છે. દેશ અને દુનિયામાંથી લોકો ઠંડીની મજા લેવા માઉન્ટ આબુ આવવા લાગ્યા છે. વહેલી સવારે લોકો ગુલાબી ઠંડીની મોજ માણતા જોવા મળ્યા. પર્યટકોની સંખ્યામાં વધારો થતાં સ્થાનિકોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વહેલી સવારથી માઉન્ટ આબુમાં લોકો તાપણાં કરી ઠંડીથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. અનેક વિસ્તારોએ બરફની ચાદર ઓઢી લીધી હતી—પોલો ગ્રાઉન્ડ, ગાર્ડન અને પાર્કિંગ ઝોનમાં સફેદ પરત છવાઈ ગઈ હતી. ગુરુ શિખર અને નક્કી ઝીલ વિસ્તારમાં પણ શિયાળાનું તીવ્ર અસર જોવા મળી રહી છે.
રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં રાત અને વહેલી સવારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સિઝનનું સૌથી ઓછું લઘુતમ તાપમાન દાહોદમાં 9.9 ડિગ્રી નોંધાયું છે. જ્યારે બીજા નંબર પર નલિયામાં 10.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. મહાનગરોની વાત કરવામાં આવે તો સુરતને બાદ કરતાં તમામમાં 15 ડિગ્રી નીચે લઘુતમ તાપમાન નોંધાયું છે. રોજ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ગગડતાં રાજ્યમાં ઠંડીનો માહોલ જામતો જાય છે. આગામી દિવસોમાં હજુ તાપમાનમાં ઘટાડો નોંધાતાં ઠંડી ભુક્કા બોલાવશે.
સમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતાં રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડું ઓખામાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. રાતે અને વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમીને લીધે રાજ્યમાં હાલમાં બેવડી સિઝન અનુભવાઈ રહી છે. રાજ્યમા મોટા ભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel
