
ધોરણ 1 થી 8માં નવી મુલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં દર સપ્તાહે લેવાતી એકમ કસોટીમાં બદલાવ કરાયો છે. આ ઉપરાંત દર ત્રણ માસે શાળાઓમાં ત્રિમાસિક કસોટી લેવામાં આવનાર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના નેતૃત્વમાં આગામી સમયમાં રાજ્યની ધો. ૧ થી ૮ તમામ શાળાઓમાં આ માળખાનો અમલ કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણવિદ ડો. જયેન્દ્રસિંહ જાદવની અધ્યક્ષતામાં શિક્ષણ નિષ્ણાતોની સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિએ પોતાનો અહેવાલ મુખ્યમંત્રીને સોંપ્યો હતો. તેને આધારે હવે રાજ્યમાં ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનનો ચાલુ વર્ષથી અમલ થશે. આ મૂલ્યાંકન પદ્ધતિ વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો, વર્તન, સહયોગ અને અભિગમનું મૂલ્યાંકન કરીને શિક્ષણને વધુ સમાવેશી અને વ્યાપક બનાવશે.
આ નવી પદ્ધતિ પરંપરાગત માર્ક્સ આધારિત મૂલ્યાંકનથી થોડી અલગ છે. હવે વિદ્યાર્થીઓની માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ જ નહીં, પરંતુ બોધાત્મક (Cognitive), ભાવનાત્મક (Affective) અને મનોગામિક (Psychomotor) ક્ષેત્રોમાં પણ સર્વાંગી વિકાસનું મુલ્યાંકન કરવામાં આવશે. શિક્ષક, સહપાઠી, વાલીઓ અને વિદ્યાર્થી એમ ચાર વ્યક્તિઓ દ્વારા એક હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ-HPC તૈયાર કરાશે, જે માત્ર પરિણામ નહીં, પણ વિદ્યાર્થીની પ્રગતિનું દર્પણ બનશે. શિક્ષકોને આ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે.
નવી મૂલ્યાંકન પદ્ધતિનો મુખ્ય હેતુ મૂલ્યાંકન શીખવાના એક સાધન તરીકે પ્રયોજાય તેવો છે એટલે કે, માત્ર પરીક્ષાની તૈયારી નહીં પરંતુ જીવન જીવવા માટે જરૂરી કૌશલ્યને વિકસાવવાનું પ્રોત્સાહન. આ અભિગમથી વિદ્યાર્થીઓમાં જવાબદારી, સ્વજાગૃતિ અને સતત સુધારા તરફનો અભિગમ વિકસશે. આ નવા માળખામાં શિક્ષકોના ડેટા એન્ટ્રીના ભારણને ઘટાડવા અને વિદ્યાર્થીઓ પર વારંવારની લેખિત કસોટીઓનો બોજ હળવો કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. એકમ કસોટીનું સ્વરૂપ બદલીને તેને વધુ સરળ, ઉપયોગી અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવાઈ છે. તો ચાલો સમજીયે આ નવા શૈક્ષણિક માળખાને.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનનો અર્થ માત્ર શૈક્ષણિક સિદ્ધિનું મૂલ્યાંકન કરવાનો નથી, આનો અર્થ ઘણો વ્યાપક છે. આમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખવામાં આવશે, જેમાં બોધાત્મક (Cognitive-જ્ઞાનાત્મક), ભાવનાત્મક (affective), અને મનોગામિક (Psychomotor) જેવા પાસાઓ સમાવિષ્ટ છે.
1. શિક્ષક દ્વારા મૂલ્યાંકન: શિક્ષક વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શન, વર્ગખંડની પ્રવૃત્તિઓમાં ભાગીદારી, શીખવાની રીત અને વર્તનનું અવલોકન કરીને મૂલ્યાંકન કરશે.
2. સહપાઠી દ્વારા મૂલ્યાંકન: વિદ્યાર્થીઓ એકબીજાના પ્રદર્શન, સહકારયુક્ત વર્તન અને ટીમ વર્કમાં ભાગીદારીનું મૂલ્યાંકન કરે છે. આનાથી વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના અને પરસ્પર સમજણ વધશે.
3. વાલીઓ દ્વારા મૂલ્યાંકન: ઘરે વિદ્યાર્થીના વાલી ભણાવવાના વાતાવરણ, રસ, શોખ અને વર્તન વિશે પ્રતિસાદ આપશે, જે શાળાને વિદ્યાર્થીના સર્વગ્રાહી વ્યક્તિત્વને સમજવામાં મદદ કરશે.
4. સ્વ-મૂલ્યાંકન: વિદ્યાર્થીઓ પોતે પણ પોતાના પ્રદર્શન, શક્તિઓ અને સુધારા માટેનાં ક્ષેત્રોનું મૂલ્યાંકન કરશે. વિદ્યાર્થીના સ્વ-જાગૃતિ અને સ્વ-વિકાસ માટે આ ખૂબ જ અગત્યનું છે.
હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC): આ કાર્ડમાં વિદ્યાર્થીઓના બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામિક વિકાસની વ્યાપક માહિતી નોંધાશે. આ મૂલ્યાંકનમાં શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી પોતે સામેલ થશે, જેનાથી વિદ્યાર્થીની શક્તિઓ અને સુધારણાના ક્ષેત્રોની સ્પષ્ટ સમજણ મળશે. આ પ્રક્રિયા ગોખણપટ્ટીને બદલે વિચારશીલતા, સર્જનાત્મકતા અને સહકાર જેવા કૌશલ્યોને પ્રોત્સાહન આપશે.
ગુજરાતની આ પહેલ “જેવું શિક્ષણ, તેવું મૂલ્યાંકન”ના સિદ્ધાંત પર આધારિત છે. આ અભિગમથી બાળકોમાં આત્મવિશ્વાસ, જવાબદારી અને સતત પ્રગતિની ભાવના વિકસશે, જે ભવિષ્ય માટે મજબૂત પાયો પુરો પાડશે. આ પરિવર્તનથી શિક્ષણ પ્રણાલી વધુ સમાવેશી અને વ્યાપક બનશે, જે વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરશે. ગુજરાતમાં આ માળખું અમલમાં મૂકવા માટે શિક્ષણ વિભાગ, શિક્ષક સંઘો, તજજ્ઞો અને સામાજિક સંસ્થાઓ સાથે પરામર્શ કરીને વર્તમાન પડકારોને નિવારવાનો પ્રયાસ કરાયો છે. NCERT અને PARAKH દ્વારા તૈયાર કરાયેલ સર્વાંગી વિકાસ પત્રકને આધારે સમિતિએ ગુજરાત રાજ્યની આવશ્યકતા અનુસારનું તૈયાર કરેલ પત્રક ગુજરાતની શાળાઓમાં અપનાવવામાં આવશે, જે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સક્રિય સંવાદને પ્રોત્સાહન આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય કક્ષાએ CBSE શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયો માટે આ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકનને અમલમાં મૂકવા માટે ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બનાવાયેલ એક સંસ્થા PARAKH દ્વારા નવું મૂલ્યાંકન માળખું અને સર્વાંગી પ્રગતિ પત્રક (HPC) તૈયાર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ NCERT દ્વારા તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ સમિતિએ ગુજરાત માટેનું સર્વાંગી વિકાસ પત્રક તૈયાર કર્યું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujarat goverment to implement 360 degree holistic evaluation in schools from std 1 to 8