
અમેરિકાએ 104 ભારતીયોને ડિપોર્ટ કર્યા જેઓ સૈન્ય વિમાનમાં ભારત આવ્યા. આ બધા વચ્ચે ડિપોર્ટ કરાયેલા ભારતીયોને હાથકડી પહેરાવીને પગમાં બેડી બાંધીને મોકલવામા ંઆવતા ભારે હંગામો મચ્યો છે. વિદેશમંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં આ અંગે જવાબ આપ્યો. જાણો શું કહ્યું.
વિદેશમંત્રી એસ. જયશંકરે ગુરુવારે સંસદમાં અમેરિકામાંથી ભારતીયોને બહાર કાઢવાના મુદ્દા પર નિવેદન આપ્યું. તેમણે રાજ્યસભામાં કહ્યું- આ પહેલીવાર નથી, જ્યારે ભારતીયોને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા હોય. આ 2009થી થઈ રહ્યું છે. અમે ક્યારેય ગેરકાયદે મૂવમેન્ટના પક્ષમાં નથી. આ કોઈપણ દેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે. બીજી તરફ, કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે આપણા નાગરિકો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો.
ભારતીયોના દેશનિકાલના મુદ્દા પર સંસદમાં દિવસભર હોબાળો થયો. વિપક્ષી સાંસદોએ 'સરકાર શરમ કરો' ના નારા લગાવ્યા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું - સરકાર તમારી ચિંતાથી વાકેફ છે. આ વિદેશનીતિનો મુદ્દો છે. વિપક્ષના સાંસદોએ બહાર આવીને સરકાર સામે વિરોધપ્રદર્શન કર્યું. કેટલાક સાંસદોના હાથમાં હાથકડી પહેરેલી જોવા મળી હતી. પોસ્ટરો પણ લહેરાવ્યાં, જેના પર લખ્યું હતું- બેડિયો મેં હિન્દુસ્તાન, નહીં સહેંગે યે અપમાન. હવે જુઓ ભારતીય નાગરિકોના દેશનિકાલની એ તસવીર, જેના કારણે હોબાળો મચી ગયો...
સવાલ: શું સરકારને ખબર હતી કે ભારતીયોને પાછા મોકલવામાં આવી રહ્યા છે?
જવાબ: અમને ખબર છે કે ગઈકાલે 104 લોકો પાછા ફર્યા છે. અમે જ તેમની પુષ્ટિ કરી છે કે તે ભારતીય છે.
સવાલ: ભારતીય નાગરિકોને હાથકડી કેમ લગાવવામાં આવી?
જવાબ: ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાથકડી પહેરાવવાની અમેરિકન સરકારની નીતિ છે.
સવાલ: મોદી અને ટ્રમ્પની આ કેવી મિત્રતા, જે દેશનિકાલ ના રોકી શકી?
જવાબ: ભારતીયોનો અમેરિકામાંથી દેશનિકાલ પહેલીવાર નથી. આ 2009થી ચાલુ છે.
સવાલ: ભારતીય નાગરિકો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કેમ કરવામાં આવ્યો?
જવાબ: અમે યુએસ સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. જેથી ખાતરી કરી શકાય કે તેમની સાથે દુર્વ્યવહાર ન થાય.
સવાલ: શું સરકાર જાણે છે કે અમેરિકા કહી રહ્યું છે કે 7 લાખ 25 હજાર ભારતીયોને બહાર કાઢવામાં આવશે?
જવાબ: અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પરત ફરતા દરેક વ્યક્તિ (અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા ભારતીય) સાથે બેસીને તેઓ અમેરિકા કેવી રીતે ગયા, એજન્ટ કોણ હતું તે શોધે. આવું ફરી ન બને તે માટે અમે સાવચેતી રાખીશું.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું- જે લોકો ભારતને વિશ્વગુરુ બનાવવાનું સ્વપ્ન બતાવી રહ્યા હતા તેઓ હવે કેમ ચૂપ છે? ભારતીય નાગરિકોને ગુલામોની જેમ હાથકડી પહેરાવીને અને અમાનવીય સ્થિતિમાં ભારત મોકલવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલય શું કરી રહ્યું છે? વિપક્ષને સંસદમાં આ મુદ્દા પર ચર્ચા કરવા દો.
પ્રિયંકા ગાંધીએ કહ્યું- ઘણું કહેવામાં આવ્યું હતું કે મોદીજી અને ટ્રમ્પજી ખૂબ સારા મિત્રો છે, તો પછી મોદીજીએ આવું કેમ થવા દીધું? શું માનવીઓ સાથે આવું વર્તન કરવામાં આવે છે કે તેમને હાથકડી અને બેડી પહેરાવીને મોકલવા જોઈએ? શું આ કોઈ રસ્તો છે? વડાપ્રધાને જવાબ આપવો જોઈએ.
શશિ થરૂરે કહ્યું- દેશનિકાલ પહેલીવાર નથી થયું, આના પર વધુ ચર્ચા ન થાય. આ પહેલીવાર નથી જ્યારે આપણા લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હોય. લોકોની અપેક્ષા કરતાં ટ્રમ્પે તે થોડું વહેલું કર્યું હોવાથી હવે ચર્ચા થઈ રહી છે. પરંતુ ગયા વર્ષે જ, બાઇડન વહીવટ હેઠળ 1,100થી વધુ ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. જો તમે ગેરકાયદેસર રીતે અમેરિકામાં છો, તો અમેરિકાને તમને હાંકી કાઢવાનો અધિકાર છે અને જો તમારી ભારતીય તરીકેની ઓળખ પુષ્ટિ થાય છે, તો ભારતની જવાબદારી છે કે તે તમને સ્વીકારે. તેથી, આ અંગે વધુ ચર્ચા ન થવી જોઈએ. આ સાંભળવું થોડું અટપટું છે કે તેમને બળજબરીથી લશ્કરી વિમાનમાં પાછા લાવવામાં આવ્યા અને હથકડી પહેરાવવામાં આવી. આની કોઈ જરૂર નહોતી. તેમને કોમર્શિયલ ફ્લાઇટમાં પાછા મોકલવા જોઈતા હતા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Foreign Minister jaishankar said this is not the first time america has deported indians - અમેરિકાએ ભારતીયોને પ્લેનમાં સાંકળથી બાંધીને કેમ મોકલ્યા? વિદેશમંત્રીએ સંસદમાં શું આપ્યો જવાબ..?