રાજ્યમાં અનેક જગ્યાએ પતંગ અને દોરીની ખરીદી પણ થઈ ગઈ છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટે કાચવાળી દોરીનાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા અને વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો નિર્દેશ આપી દીધો છે. એને લઇને 11થી 15 જાન્યુઆરીની મોડીરાત સુધી ચેકિંગ કરાશે અને આ મુદ્દે DGP રોજ સાંજે મિટિંગ પણ કરશે. ઉત્તરાયણના તહેવારમાં અને એ પહેલાં જ પતંગ ઉડાડવાનું શરૂ થઈ જાય છે. એના કારણે ચાઈનીઝ દોરી અને ગ્લાસ કોટેડ (કાચના પાઉડરથી રંગેલી દોરી) માંજાથી અનેક લોકો ઘાયલ થતા હોય છે. વર્ષ 2016માં ગુજરાત હાઈકોર્ટમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, સિન્થેટિક દોરી અને ગ્લાસ કોટેડ કોટન દોરી અને આગ માટે જવાબદાર ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધની માગ સાથે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.
ઉત્પાદકો આ મુદ્દે આજે (10 જાન્યુઆરી 2025) ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજની સુનાવણીમાં કોર્ટમાં અમદાવાદના કોટન માંજા ઉત્પાદકો આવ્યા હતા, જેમણે જણાવ્યું હતું કે આ કોર્ટે અગાઉ આપેલા નિર્દેશો અને NGTના આદેશમાં કોટન માંજા પર પ્રતિબંધ નથી. ફક્ત ચાઈનીઝ માંજા અને નાયલોન દોરી પર પ્રતિબંધ છે. જેથી હાઇકોર્ટે 8 જાન્યુઆરી, 2025ના હુકમમાં નાયલોન દોરી અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધના નિર્દેશો આપ્યા હતા. એ હુકમમાં સુધારો કરવામાં આવે.
જોકે હાઇકોર્ટે કહ્યું હતું કે સરકારના જાહેરનામા મુજબ ગ્લાસ કોટિંગ દોરી પર પણ પ્રતિબંધ જ છે. ગ્લાસ પાઉડર હાનિકારક જ છે. આ દોરી પણ ચાઈનીઝ દોરી જેટલી જ ખતરનાક છે. અરજદારે કહ્યું હતું કે કોટન દોરી પર ગ્લાસ કોટિંગ થાય નહીં તો એના વગર ઉત્તરાયણની ઉજવણી જ થશે નહીં. અરજદારે કહ્યું હતું કે 13 જાન્યુઆરી, 2017ના આ કોર્ટના હુકમ મુજબ ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ છે, કોટન દોરી પર નહીં.
હાઇકોર્ટે કહ્યું હતું કે 13 જાન્યુઆરી, 2017ના હાઇકોર્ટના ડબલ જજની બેન્ચના આદેશમાં અપાયેલા નિર્દેશ મુજબ જ રાજ્યે ચાઈનીઝ તુક્કલ, નાયલોન દોરી, ચાઈનીઝ દોરી, સિન્થેટિક દોરી, ગ્લાસ કોટેડ દોરીનું ઉત્પાદન, સ્ટોક કરવા, વેચાણ, ખરીદ અને વપરાશ પર પ્રતિબંધ લગાવેલો છે. હાઇકોર્ટે કોટન દોરીના ઉત્પાદકોને તીખો પ્રશ્ન કર્યો હતો કે શું તેઓ બાંયધરી આપશે કે કાચ ચઢેલી કોટન દોરી જોખમ નથી? જવાબ માત્ર હા કે નામાં આપવામાં આવે. એનો જવાબ કોટન દોરી ઉત્પાદકોના વકીલ આપી ન શકતાં હાઇકોર્ટે તેમની અરજી નકારી નાખી હતી.
સરકારી વકીલે આજે રાજ્યના ગૃહ વિભાગના અંડર સેક્રેટરી અને 5 જિલ્લાના મેજિસ્ટ્રેટની એફિડેવિટ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. એ મુજબ ઉત્તરાયણના તહેવારને લઈને રોજ સાંજે DGP મિટિંગ યોજે છે, એ બાબત કોર્ટને જણાવવામાં આવી હતી. રાત્રે 8થી 1માં પતંગ બજારોમાં પ્રતિબંધિત દોરી અને ચાઈનીઝ તુક્કલ અંગે ચકાસણી કરવામાં આવે. આગામી 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી સાંજે 6 વાગ્યાથી રાત્રિના 1 વાગ્યા સુધી પતંગ બજારોમાં તપાસ હાથ ધરવામાં આવશે. ગ્લાસ કોટેડ દોરી અને સિન્થેટિક દોરીની ઘાતકતા અંગે બાળકોને શાળાઓમાં જઈને જાગરૂક કરવામાં આવે છે. ટૂ-વ્હીલર વાહનચાલકોને પણ જાગ્રત કરીને તેમના વાહન પર પોલીસ નેક ગાર્ડ લગાવી આપે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , rope dyed with glass powder is anned by Gujarat Highcourt in uttrayan - કાચવાળી દોરીનાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા, વાપરવા પર હાઈકોર્ટનો પ્રતિબંધ, 11-15 જાન્યુ.ની મોડીરાત સુધી ચેકિંગ કરવા પોલીસને આદેશ