રાજ્યમાં ઠંડીએ હવે પોતાનો રંગ દેખાડી દીધો છે. નીચા તાપમાને દિવસભર ઠંડો પવન ફુંકાતા લોકો થીજી ગયા છેે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતાં જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતાં સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન નોંધાતાં લોકો ઠૂંઠવાયા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન રાજકોટ અને કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
રાજકોટમાં સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની શક્યતા વ્યકત કરવામાં આવી હતી, એની વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે લોકોને કડકડતી ઠંડીનો સામાનો કરવાનો વારો આવ્યો છે. રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતાં 5.9 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું, જેના કારણે તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ગગડીને 9.7 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમદાવાદમાં પણ સામાન્ય કરતાં એક ડિગ્રી તાપમાન ઘટ્યું હતું અને લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરામાં સામાન્ય કરતા 3.2 ડિગ્રીનો ઘટાડો થતાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી અને સુરતમાં 1.3 ડિગ્રીના ઘટાડે સાથે લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું છે.
5 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે. નલિયામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતાં સાડાસાત ડિગ્રી તાપમાન ઘટી જતાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 5 પર પહોંચ્યો હતો, જેના કારણે જનજીવન પર માઠી અસર પડી હતી. કડકડતી ઠંડીના કારણે લોકો ગરમ કપડાં અને તાપણા કરતા જોવા મળ્યા હતા.
અમદાવાદ | 13.4 ડિગ્રી |
અમરેલી | 11.8 ડિગ્રી |
બરોડા | 12 ડિગ્રી |
ભાવનગર | 13.8 ડિગ્રી |
ભુજ | 11 ડિગ્રી |
ડીસા | 10.6 ડિગ્રી |
પોરબંદર | 13.8 ડિગ્રી |
રાજકોટ | 9.7 ડિગ્રી |
સુરત | 15.8 ડિગ્રી |
રાજકોટ અને કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મંગળવારે રાત્રે કચ્છના નલિયા અને રાજકોટમાં કોલ્ડવેવનો અનુભવ થતા તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે ગગડ્યો હતો. આ બંને જિલ્લામાં આગામી બે દિવસ દરમિયાન પણ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. ત્રણ દિવસ બાદ તાપમાન ઊંચકાતા લોકોને થોડી રાહત અનુભવાશે.
માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં જતાં બરફની ચાદર છવાઈ બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂઠવાઈ પણ રહ્યા છે. કડકડતી ઠંડી વચ્ચે પણ પ્રવાસીઓ ખુલ્લામાં નીકળી વાતાવરણની મજા માણી હતી.
રાજ્યના અલગ અલગ ભાગોમાં ઠંડીનું જોર વધતાં ઠેર-ઠેર લોકો તાપણાનો અને ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે. હજુ પણ આગામી 24 કલાક ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. બીજી તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ઠંડીનું પ્રમાણ પણ યથાવત્ રહેવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ઉપર ઉત્તર દિશા તરફથી પવન આવતા હોવાથી ઠંડીનું જોર વધ્યું હતું, પરંતુ હવે પવનની દિશા બદલાઈને ઉત્તરપૂર્વીય દિશા તરફથી પવન આવતા ઠંડીનું જોડ અંશતઃ ઘટવાની શક્યતા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel | Coldwave Forecast For Rajkot Kutch | Gujarat Cold Weather Forecast | Cold Forecast For Gujarat