
ચોમાસા પહેલા જ દેશના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદે વિનાશ સર્જ્યો છે. આસામમાં સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં બ્રહ્મપુત્રા અને તેની સાથે વહેતી નદૃીઓમાં આવેલા પૂરે ભારે કહેર મચાવતા વિનાશ સર્જ્યો છે. સેંકડો ગામોએ જળ સમાધિ લીધી છે. ૭ લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. ખેડુતોનો પાક પણ નાશ પામ્યો છે.દેશના કેટલાક ભાગોમાં હીટવેવ, વરસાદ, પૂર અને વીજળીએ કહેર મચાવ્યો છે. બિહારમાં વાવાઝોડું અને વીજળી પડવાને કારણે ૧૬ જિલ્લામાં ૩૩ લોકોનાં મોત થયાં હતાં. છેલ્લા કેટલાક દિવસોથી આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આસામમાં ભારે વરસાદ આવતા ગંભીર પૂર પરિસ્થિતિ સર્જાઈ છે. આસામના "દીમા હસાઓ"માં અચાનક પૂર આવી જતા ટુરિસ્ટો ફસાયા હતા. આવતા બે દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી અપાયેલ છે. અનેક જિલ્લામાં સ્થિતિ ભયજનક બની છે. નદીના જળસ્તર વધી રહ્યા છે.
આ દરમિયાન આસામના ચાર જિલ્લા- નાગાંવ, હોજઈ, કછાર અને દરાંગમાં પૂરથી સ્થિતિ ગંભીર બની હતી. અત્યારસુધી અહીં પૂર અને વરસાદૃ સંબંધિત અલગ-અલગ ઘટનાઓમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. લગભગ ૫૦૦ લોકો રેલવેટ્રેક પર રહેવા મજબૂર બન્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર, રાજ્યના ૨૯ જિલ્લામાં લગભગ ૭.૧૨ લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. જમુનામુખ જિલ્લાના બે ગામના ૫૦૦થી વધુ પરિવારોએ રેલવેટ્રેક પર કામચલાઉ આશરો લીધો છે. એકલા નાગાંવ જિલ્લામાં ૩.૩૬ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે કછાર જિલ્લામાં ૧.૬૬ લાખ, હોજઈમાં ૧.૧૧ લાખ અને દરાંગ જિલ્લામાં ૫૨૭૦૯ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.
રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ચાર ટીમો તહેનાત કરવામાં આવી છે.દક્ષિણ કન્નડ જિલ્લામાં વરસાદને કારણે રસ્તો ધોવાઈ જતાં એક કાર ખાડામાં ફસાઈ ગઈ હતી, જેને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. વરસાદને કારણે ૨૩ મકાનને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.