
કેનેડાએ ખાલિસ્તાની પ્રમુખના મોતને લઈને ભારત પર પર લગાવેલા આક્ષેપોના કારણે બન્ને દેશોના સંબંધોમાં ખટરાગ ઉભો થયો છે. આ ખટરાગ બાદ ભારતે કેનેડાને વિઝા આપવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધથી ત્યાં રહેતા ભારતીય મૂળના કેનેડિયન કે જેઓ ભારત આવવા માગે છે તેઓ અટકી પડ્યા છે. બીજી તરફ ભારતથી જેઓ કેનેડા જવા માગે છે તેમના માટે કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યા નથી પરંતુ અહીંથી જેઓ ત્યાં જવા માગે છે તેમને પણ વિઝાનો પ્રતિબંધ ન હોવા છતાં કેટલીક બાબતોનો ડર સતાવી રહ્યો છે. પાછલા ઘણાં સમયથી જેઓ ત્યાં જવા માગે છે અથવા જવા માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે તેમને પણ ઘણાં સવાલો થઈ રહ્યા છે. હવે આ મામલે ત્યાંની સ્થિતિ અને હાલની પરિસ્થિતિને લઈને પણ ઘણી બાબતો સામે આવી રહી છે ત્યારે એક્સપર્ટ્સ પણ મહત્વની સલાહો આપી રહ્યા છે. આમ છતાં જેને ત્યાં જવાનું છે તેઓના મનમાં શું ચાલી રહ્યું છે તે મહત્વનું છે. બન્ને દેશો વચ્ચે જે વિવાદ ઉભો થયો છે તેની અસર કેનેડામાં અભ્યાસ માટે જવા ઈચ્છુક અનેક ભારતીય વિદ્યાર્થીઓ પર પડી છે.
એક્સપર્ટના મતે સપ્ટેમ્બર મહિનામાં કેનેડાની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને લેવામાં આવે છે. મહિનો લગભગ પૂરો થઈ ગયો છે, પરંતુ જે વિદ્યાર્થીઓએ તેમની અરજી ફી ચૂકવી દીધી છે અને ફક્ત વિઝાની રાહ જોઈ રહ્યા હતા, તેમને સૌથી મોટો આંચકો લાગ્યો છે. દેશની સૌથી મોટી સ્ટડી-એબ્રોડ કન્સલ્ટિંગ કંપનીઓમાંની એક કન્સલ્ટન્સે જણાવ્યું હતું કે, પ્રારંભિક સ્થિતિ શાંત થવા લાગી છે, પરંતુ જ્યાં સુધી કેનેડાની યુનિવર્સિટીઓ તરફથી તેમની સ્ટ્રેટેજી અંગે અસરકારક વાતચીત ન થાય ત્યાં સુધી કંઈ ન કહી શકાય. ઘણી યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓની સલામતીની ખાતરી આપતા ઈમેઈલ્સ મોકલ્યા છે અને તેમની વેબસાઈટ્સ પર એલર્ટ પોસ્ટ કર્યા છે, પરંતુ વિઝા અરજીઓની પ્રક્રિયા અંગે કશું જણાવ્યું નથી.
વધુમાં તેઓએ કહ્યું કે, "વિદ્યાર્થીઓના ત્રણ સેટ છે જે તણાવથી પ્રભાવિત થયા છે. પ્રથમ, જેઓ પહેલેથી જ કેનેડામાં છે; બીજા, જેમણે ફી ભરી દીધી છે અને વિઝાની રાહ જોઈને બેઠા છે અને ત્રીજા, જેઓ આગામી ઈન્ટેકમાં જવાનું વિચારી રહ્યા છે, જે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવે છે. આમાં સૌથી ખરાબ સ્થિતિ બીજી કેટેગરીની છે, કારણ કે તેઓ ફી ભરી ચૂક્યા છે. આ ફી રૂપિયા 1.5-2 લાખ સુધી હોય છે. જો વિદ્યાર્થીઓ અન્ય દેશમાં અરજી કરશે, તો તેમની ફી પરત આપવામાં આવશે કે તે ફીને બીજા ઈન્ટેક સુધી લંબાવવામાં આવશે કે કેમ તે અંગે યુનિવર્સિટીઓ અને કોલેજો તરફથી કોઈ જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી નથી." આપને જણાવી દઈએ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ આ વિવાદના ઉકેલાવા સુધી રાહ જોવા ઈચ્છે છે, પરંતુ તેઓ કેનેડા જવાનો પોતાનો વિચાર છોડવા તૈયાર નથી.
કન્સલ્ટન્ટ્સનું કહેવું છે કે, કોરોના મહામારી પછી કેનેડા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે, કારણ કે ત્યાંની કોલેજોની ફી હજુ પણ પરવડે તેવી છે અને અન્યની તુલનામાં વર્ક પરમિટ સરળતાથી મળે છે. યુકેમાં ગત વર્ષે અભ્યાસ પછીના વર્ક વિઝાના નિયમો રજૂ કર્યા પછી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સ્નાતક થયા બાદ બે વર્ષ સુધી દેશમાં કામ કરવાની મંજૂરી આપતા અહીં પણ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ વધારો થયો છે. અન્ય ઘણી અગ્રણી કન્સલ્ટન્સીઓ પૈકી લીવરેજ એડ્યુએ કેનેડાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટેની અરજીઓ સ્વીકારવાનું બંધ કરી દીધું હતું, કારણ કે કેન્દ્ર સરકારે 20 સપ્ટેમ્બરના રોજ કેનેડાની મુસાફરી કરવાનું વિચારી રહેલા લોકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી હતી. જેમાં કેનેડાને "ભારત વિરોધી પ્રવૃત્તિઓ" વચ્ચે "અસુરક્ષિત" ગણવામાં આવ્યું હતું.
જસ્ટિન ટ્રુડોની સરકારે આ એડવાઈઝરીને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે કેનેડા બધા માટે "શાંત" અને "સલામત" છે. કન્સલ્ટન્સી ફર્મ્સના જણાવ્યા અનુસાર, દર વર્ષે કેનેડાની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 2.5-3 લાખ વિદ્યાર્થીઓ અરજી કરે છે, જેમાંથી ઓછામાં ઓછા 70 ટકા પંજાબના છે.
કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, "કેનેડા જવા માંગતા મોટાભાગના વિદ્યાર્થીઓ પોસ્ટ-ગ્રેજ્યુએશન માટે જાય છે, જેથી તેઓ કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકે અને ત્યાં વર્ક વિઝા મેળવી શકે. કેનેડામાં એવી ઘણી કોલેજો છે, જે એવા ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન માટે ચલાવવામાં આવે છે, જેઓ સીરિયસ અભ્યાસની જગ્યાએ ત્યાં કામ કરે."
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાતી સમાચાર - Canada India news - Student Visa Application - University Email - Justin Trudo