
ભારતના નેતા ભણેલા-ગણેલા નથી, તો બોલિવૂડ સ્ટાર્સ કેટલું ભણેલા છે? કાજોલના નિવેદનથી શરૂ થઈ ચર્ચા...
કાજોલ (Kajol) હિન્દી બોલિવુડ ફિલ્મોમાં તેના ઉત્કૃષ્ટ અભિનયની સાથે નિર્ભિકપણે તેના મંતવ્યો રજૂ કરવા અને તેના બિંદાસ એટીટ્યુડ માટે જાણિતી છે. ઓટીટીના જમાનામાં હવે કાજોલ પણ ફિલ્મોમાંથી બ્રેક લઈને ઓટીટી પર ડેબ્યુ કરી રહી છે. તેની વેબ સીરીઝ 'ધ ટ્રાયલ'ના પ્રમોશન માટે કાજોલ પૂરા જોશમાં છે. આ સમયે તેણે એક મુલાકાતમાં દેશના નેતાઓના ભણતર અને ધીમી વૃદ્ધિ પર ટીપ્પણી કરી દીધી, જેનાથી મોટો વિવાદ સર્જાયો છે. બોલિવૂડ અભિનેત્રીએ કહ્યું, ભારત જેવા દેશમાં પરિવર્તન ખૂબ જ ધીમું છે. આપણે આપણી પરંપરાઓ અને વિચારોમાં જ ડૂબેલા રહીએ છીએ. આપણા નેતાઓ ભણેલા નથી. એટલું જ નહીં તેમની પાસે દેશને આગળ લઈ જવા માટેનું વિઝન પણ નથી. આ વિઝન માત્ર શિક્ષણથી જ આવે છે. ભારતીય નેતાઓ અંગે કાજોલના આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર યુઝર્સ ભડક્યા છે. એક યુઝરે કાજોલને ટ્રોલ કરતા લખ્યું, ડિયર કાજોલ, નિશ્ચિત શૈલીમાં અંગ્રેજીમાં બોલવું એ શિક્ષણ નથી. તે માત્ર એક સ્કીલ હોઈ શકે. તમારી જાણ માટે આપણા પર અશ્વિની વૈષ્ણવ, ડૉ. જયશંકર, નિર્મલા સીતારમણ, કિરણ રિજિજૂ, પીયુષ ગોયલ, નિતિન ગડકરી જેવા શિક્ષિત નેતાઓનું શાસન છે. અન્ય એક યુઝરે કાજાલોને ટ્રોલ કરતાં યાદ અપાવ્યું કે તે પોતે સ્કૂલ ડ્રોપઆઉટ છે જ્યારે તેનો પતિ અજય દેવગણ કોલેજ ડ્રોપઆઉટ છે.
જોકે, આ સાથે કેટલાક યુઝર્સે બોલિવૂડ સ્ટાર્સના ભણતર ઉપર સવાલ ઉઠાવ્યા છે. બોલિવૂડના ટોચના કલાકારો ક્યાં તો કોલેજ ડ્રોપ-આઉટ છે અથવા તેમણે સ્કૂલમાંથી જ અભ્યાસ છોડી દીધો છે. જોકે, મોટાભાગે બોલિવૂડ પરિવારનું બેકગ્રાઉન્ડ ધરાવતા કલાકારોએ સ્કૂલ અથવા કોલેજમાંથી જ અભ્યાસ છોડી દીધો છે. જ્યારે પહેલી પેઢીના મોટાભાગના કલાકારોએ ગ્રેજ્યુએશન અથવા તેનાથી વધુનો અભ્યાસ કર્યો છે. ત્યારે આવો જાણીએ બોલિવૂડ સ્ટાર્સ ક્યાં સુધી ભણ્યા છે ?
કાજોલે મહારાષ્ટ્રના પંચગીનીની પ્રખ્યાત સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. પરંતુ તેણે સ્કૂલમાંથી જ અભ્યાસ છોડી દીધો અને બોલિવૂડની વાટ પકડી હતી. વર્ષ 1992માં આવેલી તેની પહેલી ફિલ્મ બેખુદી બોક્સ ઓફિસ પર ખાસ ચાલી નહોતી. પરંતુ પછીના વર્ષે 1993માં રજૂ થયેલી બાઝીગરથી તે કમર્શિયલ ફિલ્મોમાં ટોચની હિરોઈન બની ગઈ હતી.
આમીર ખાન પણ બોલિવૂડ પર રાજ કરતી ખાન ત્રિપુટીમાં સ્થાન મેળવ્યું છે. જોકે, મી. પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમીર ખાને 12 ધોરણ પછી અભ્યાસ છોડી દીધો. આમીર ખાને યાદો કી બારાત અને મદહોશ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. ત્યાર પછી તેણે કેતન મહેતાની પ્રયોગાત્મક ફિલ્મ હોલીમાં પણ કામ કર્યું. જોકે, તેણે 1988માં 'કયામત સે કયામત તક' ફિલ્મથી બોલિવૂડમાં હિરો તરીકે પદાર્પણ કર્યું હતું.
સલમાન ખાને વર્ષ 1988માં 'બીવી હો તો ઐસી' ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતા સલમાને કોલેજ પૂરી કર્યા વિના જ અભ્યાસ છોડી દીધો અને ફિલ્મોમાં પ્રવેશ કર્યો. હાલ તે બોલિવૂડના ટોચના સ્ટાર્સમાં સ્થાન ધરાવે છે.
અનિલ કપૂર બોલિવૂડનો 'સૌથી યુવાન' અભિનેતા માનવામાં આવે છે. બોલિવૂડમાં લાંબી કારકિર્દી પછી પણ તેના દેખાવમાં કોઈ ફેરફાર દેખાતા નથી. અનિલ કપૂરે પણ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ નજર દોડાવી. અનિલે 1980માં તેલુગુ ફિલ્મ વમસા રૂક્ષમણ અને કન્નડ ફિલ્મ પલ્લવી અને અનુપલ્લવી (1983)માં કામ કર્યું હતું. બોલિવૂડમાં અનિલ કપૂરની એન્ટ્રી 1983માં મસાલા ફિલ્મથી થઈ. 1985માં મેરી જંગ ફિલ્મની સફળતા પછી અનિલ કપૂર સ્ટાર બની ગયો હતો.
સૈફ અલી ખાને વર્ષ 1993માં ફિલ્મ પરંપરાથી બોલિવડમાં ડેબ્યુ કર્યું. સૈફે વિન્ચેસ્ટર કોલેજમાં અભ્યાસ કર્યો હતો. પરંતુ તેણે ડિગ્રી મેળવી કે નહીં તે જાણી શકાયું નથી. સૈફ 90ના દાયકામાં ફિલ્મી પડદે સોલો અભિનેતા નામના મેળવી શક્યો નથી. જોકે, સૈફની અનેક મલ્ટી સ્ટારર ફિલ્મો સુપરહીટ થઈ છે. કરીના કપૂરે મુંબઈની મિઠિબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. કરીનાએ વર્ષ 2001માં અભિષેક બચ્ચન સામેની રેફ્યુજીથી બોલિવૂડમાં આગમન કર્યું. એ જ વર્ષે રજૂ થયેલી તેની મુઝે કુછ કહૈના હૈ સફળ રહી હતી. ત્યાર પછી તેણે સફળ અભિનેત્રી તરીકે નામના મેળવી હતી.
કેટરિના કૈફ બ્રિટિશ અભિનેત્રી છે, જેણે 2003માં 'બૂમ' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું. જોકે, તેણે 2005માં આવેલી 'મેંને પ્યાર ક્યું કિયા'થી નામના મેળવી હતી. કેટરિના પણ કોલેજ ડ્રોપઆઉટ છે. 2006માં અક્ષય કુમાર સાથેની 'હમકો દિવાના કર ગયે' ફિલ્મે તેને એ ગ્રેડની અભિનેત્રીઓમાં સ્થાન અપાવ્યું હતું.
શ્રદ્ધા કપૂરે કોલેજના અભ્યાસ માટે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ તે કોલેજ પૂરી કર્યા વિના જ મુંબઈ પાછી ફરી ગઈ. તેણે 2010માં તીન પત્તીથી ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. જોકે, 2013માં આવેલી આશિકી-2થી શ્રદ્ધાએ ફિલ્મ ઉદ્યોગમાં તેનો પગ જમાવ્યો હતો અને સફળ અભિનેત્રી બની હતી.
આલિયા ભટ્ટે મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આલિયા સ્કૂલ ડ્રોપઆઉટ છે. તેણે 2012માં સ્ટૂડન્ટ ઓફ ધ યર ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં કરણ જોહરે એક સાથે બોલિવૂડ પરિવારના ત્રણ કલાકારોનું ડેબ્યુ કરાવ્યું હતું, જેમાં આલિયા ઉપરાંત વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો સમાવેશ થાય છે. જોકે, આલિયાએ 2014માં 'હાઈવે' ફિલ્મથી અભિનેત્રી તરીકે તેનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. આ ફિલ્મમાં તેના અભિનયના જબરજસ્ત વખાણ થયા હતા.
બોલિવૂડની વર્તમાન પેઢીમાં ટાઈગર શ્રોફ 12મા ધોરણ સુધી ભણેલો છે. તેણે નોઈડા સ્થિત એમિટી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ કોલેજ પૂરી કરી નહોતી. 2012માં હિરોપંતિ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જોકે, 2016માં રજૂ થયેલી બાગી ફિલ્મથી તે એક્શન સ્ટાર તરીકે સ્થાપિત થયો હતો.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news