
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલની ખરીદી મુદ્દે ભારત પર વધુ 25% ટેરિફ લાદવાનો આદેશ આપ્યો છે. આ નવા ટેરિફ સાથે ભારતીય ઉત્પાદનો પર કુલ 50% ટેરિફ લાગુ થશે. ત્યારે આ નિર્ણયના કારણે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ વધવાની શક્યતા છે.
American President Donald Trump Imposes 50 Percentage Tariff On India : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફનો મોટો આદેશ જારી કર્યો છે. રશિયા પાસેથી સતત તેલની ખરીદીને કારણે ભારતીય ઉત્પાદનો પર વધુ 25% ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા છે. આ નવા ટેરિફ સાથે હવે ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25% ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ નિર્ણયનો આધાર 2022માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ જાહેર કરાયેલી રાષ્ટ્રીય કટોકટી છે. જેમાં અમેરિકાએ રશિયન તેલની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે ભારત આ પ્રતિબંધને અવગણીને રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. જેનાથી રશિયાને આર્થિક મદદ મળી રહી હોઇ આ જ કારણોસર ભારત પર આ ટેરિફ લાદવામાં આવ્યો છે.
ટ્રમ્પે સહી કરેલા આ આદેશ અનુસાર આ નવા ટેરિફ 27 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે. આ તારીખ પછી અમેરિકા મોકલવામાં આવતા તમામ ભારતીય માલસામાન પર આ ડ્યુટી લાગુ થશે. જોકે જે માલસામાન આ તારીખ પહેલા રવાના થયો હોય અને 17 સપ્ટેમ્બર 2025 પહેલા અમેરિકા પહોંચી જાય તેને આ ડ્યુટીમાંથી મુક્તિ મળશે. આ વધારાનો ટેરિફ અન્ય તમામ ડ્યુટી અને કર ઉપરાંત હશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ આદેશનું કારણ ભારત દ્વારા રશિયા પાસેથી સતત થઈ રહેલી તેલની ખરીદી ગણાવ્યું છે. અગાઉ પણ, અમેરિકાએ આ જ મુદ્દે ભારત પર 25% ટેરિફ અને દંડની જાહેરાત કરી હતી. હવે તેમાં વધુ 25% નો વધારો કરવામાં આવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જારી કરેલા નવા આદેશમાં રશિયન તેલ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે માત્ર રશિયાથી સીધા નિકાસ થયેલું તેલ જ નહીં પરંતુ રશિયામાં ઉત્પાદિત કોઈપણ તેલ કે પેટ્રોલિયમ ઉત્પાદન જે ભારત ત્રીજા દેશ મારફતે ખરીદે છે તેને પણ આ પ્રતિબંધમાં સામેલ કરવામાં આવશે. આ જોગવાઈનો ઉદ્દેશ કોઇ પણ રીતે થતી રશિયન તેલની ખરીદી પર પણ પ્રતિબંધ મૂકવાનો છે.
ટ્રમ્પે સંકેત આપ્યો છે કે જો કોઈ અન્ય દેશ રશિયા પાસેથી સીધી કે આડકતરી રીતે તેલની આયાત કરશે તો તેની સામે પણ આવી જ કાર્યવાહી થઈ શકે છે. જોકે આ આદેશમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો રશિયા અથવા અન્ય કોઈ અસરગ્રસ્ત દેશ અમેરિકાની નીતિઓ અનુસાર પગલાં લેશે તો આ ટેરિફમાં ફેરફાર પણ થઈ શકે છે. આ નિર્ણયથી ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી સંબંધોમાં તણાવ વધવાની શક્યતા છે અને ભારતીય નિકાસકારો પર તેની ગંભીર અસર પડી શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , American President Donald Trump Imposes 50 Percentage Tariff On India