આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભારે વરસાદના કારણે પાકને નુકશાન પહોંચેલા ખેડૂતો માટે રૂપિયા 1419.62 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ઓગષ્ટ-2024માં થયેલ ભારે વરસાદના કારણે પાક નુકશાનને લઈ સરકારે કુલ રૂ.1419.62 કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કર્યો છે. જેમાં SDRF ઉપરાંત રાજય સરકારે પોતાના ભંડોળમાંથી નુકશાનની તીવ્રતા ધ્યાને લઇ રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કર્યો છે.
ઓગષ્ટ માસના આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર ઍમ 20 જિલ્લાના 136 તાલુકાના કુલઃ6812 ગામોનો સમાવેશ થયેલ છે. આ પેકેજ દ્વારા રાજયના 7 લાખથી વધુ ખેડૂતોને રાહત પેકેજ હેઠળ આવરી લીધેલા છે. આ રાહત પેકેજના કુલઃ1419.62 કરોડ પૈકી રૂ.1097.31 કરોડ SDRF હેઠળ આપવામાં આવશે અને રાજય બજેટમાંથી સહાય પેટે રૂ.322.33 કરોડની રકમ ચૂકવવામાં આવશે.
રાજયમાં આ વર્ષ ચોમાસાની સીઝનમાં 141 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. આ વરસાદમાં ખેડૂતોને ભારે મુશ્કેલી સર્જાઇ હતી. જેમાં વરસાદના કારણે પાક મોટા પાયે નિષ્ફળ ગયો હતો. આ ઉપરાંત સાતમ-આઠમના તહેવારમાં સતત એક અઠવાડિયા સુધી વરસાદ પડવાના કારણે નુકશાનીમાં વધારો થયો હતો. ત્યારે પાછોતરા વરસાદે ખેડૂતોને આર્થિક રીતે પણ પાયમાલ કરી દીધા હતા. જેમાં મગફળી, કપાસ ઉપરાંત શાકભાજીનો પાક પણ નિષ્ફળ ગયો હતો. ત્યારે આ સમસ્યાને લઇ રાજયભરમાંથી ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી હતી.
ત્યારે દિવાળી પહેલા રાજ્ય સરકારે ખેડૂતોની માંગ ધ્યાને રાખી હતી. અને સરકાર દ્વારા અતિવૃષ્ટિનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વેના આધારે અને આજ રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિથી પાયમાલ થઈ ગયેલા ખેડુતો માટે 1419.62 કરોડનું કૃષિ રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની આજે સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , agriculture relief package was announced by the Gujarat government in cabinet meeting for farmer