કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેઇટલિફટર્સના જોરદાર પર્ફોર્મન્સે લોકોના દિલ જીતી લીધા હતા. આ દિવસે વેઇટલિફ્ટિંગની ત્રણ ઇવેન્ટ થઈ હતી અને તેમાંથી ભારતને બે ગોલ્ડ મેડલ મળ્યાં હતા. આ સાથે જ ભારતને અત્યાર સુધીમાં 3 ગોલ્ડ મેડલ સાથે કુલ 6 મેડલ મળ્યાં છે અને આ બધા જ વેઇટલિફ્ટિંગમાં આવ્યા છે. 67 કિલોની પુરુષ કેટેગરીમાં જેરેમી લાલરિનુંગાએ અફલાતૂન પર્ફોર્મન્સથી પહેલો મેડલ જીત્યો હતો. ત્યારબાદ મોડી રાતે અચિંતા શેઉલીએ 73 કિલોની કેટેગરીમાં દેશને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. અને અગાઉ મીરાબાઈ ચાનુએ વેઈટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેળવ્યો હતો.
અચિંતાનું અફલાતૂન પર્ફોર્મન્સ(Achinta Sheuli)
અચિંતા શેઉલીએ સ્નૈચ રાઉન્ડ અવ્વલ રહીને પૂરો કર્યો. તેમણે પહેલા પ્રયત્ને 137 કિલો, બીજા પ્રયત્ને 140 કિલો અને ત્રીજા પ્રયત્ને 143 કિલો વજન ઉપાડ્યું હતું. ત્યારબાદ ક્લિન એન્ડ જર્ક રાઉન્ડમાં અચિંતાએ પ્રથમ પ્રયત્ને 166 કિલો વજન ઉંચક્યું હતું. આ પછી બીજા પ્રયત્ને 170 કિલો વજન ઉંચકવાનો પ્રયાસ કર્યો હતો, પણ ઉંચકી શક્યા નહોતા. ત્યારે ત્રીજા પ્રયાસમાં તેમણે 170 કિલો વજન ઉંચક્યું હતું. અચિંતાએ સ્નૈચ રાઉન્ડમાં 143 કિલો અને ક્લિન એન્ડ જર્ક રાઉન્ડમાં 170 કિલો વજન ઉંચકી કુલ 313 કિલો વજન ઉંચક્યું હતું.
જેરેમી લાલરિનુંગા(Jeremy Lalrinnunga)
19 વર્ષીય વેટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ મધ્ય મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થવા છતાં હાર ન માની અને પુરુષોની 67 કિગ્રા વર્ગમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી. તેણે સ્નેચમાં 140 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 160 કિલો વજન ઉપાડ્યું. આ રીતે તેણે કુલ 300 કિલો ઊંચકીને ગોલ્ડ મેડલ જીત્યો. સમોઆના વેવાપા આયોને (293 કિગ્રા) સિલ્વર જીત્યો હતો. મિઝોરમના જેરેમીએ સ્નેચમાં પ્રથમ પ્રયાસમાં 136 કિલો વજન ઉપાડ્યું અને ગોલ્ડ મેડલના સ્થાને આવ્યો. બીજા પ્રયાસમાં તેણે 140 કિલો વજન ઊંચકીને પોતાની સ્થિતિ મજબૂત કરી છે અને ગેમ્સ રેકોર્ડ બનાવ્યો છે. જેરેમીએ ત્રીજો પ્રયાસ 143 કિલો વજનમાં કર્યો હતો. પરંતુ તેમને આમાં સફળતા મળી ન હતી. ભારતીય વેટલિફ્ટરે ક્લીન એન્ડ જર્કમાં તેના પ્રથમ પ્રયાસમાં 154 કિગ્રા અને બીજા પ્રયાસમાં 160 કિગ્રા વજન ઉપાડ્યું હતું. ત્રીજા પ્રયાસમાં તેણે 164 કિલો વજન અજમાવ્યું. પણ સફળતા ન મળી. જોકે તેમ છતાં તેણે ગોલ્ડ જીત્યો હતો. જેરેમી ક્લીન એન્ડ જર્કના પ્રથમ પ્રયાસ દરમિયાન ઘાયલ થયો હતો. આટલું કરવા છતાં તે વધુ બે વાર ઉપાડવા આવ્યો હતો. જેરેમી લાલરિનુંગા 2018 યુથ ઓલિમ્પિકનો સુવર્ણ ચંદ્રક વિજેતા છે. આ સાથે તેણે 2021 કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
મીરાબાઈ ચાનુ(mirabai chanu)
ટોક્યો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા ભારતીય મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનુએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022ના બીજા દિવસે શનિવારે ગોલ્ડ મેડલ જીત્યો. ચાનુએ મહિલાઓની 49 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ચાનુએ ક્લીન એન્ડ જર્કના પ્રથમ પ્રયાસમાં 109 કિલો વજન ઉપાડ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો. તેણી ત્રીજા પ્રયાસમાં નિષ્ફળ ગઈ હતી પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો ન હતો કારણ કે તેણીએ 201 કિગ્રાના ગોલ્ડન પ્રદર્શન સાથે પોડિયમ પર પ્રથમ સ્થાન મેળવ્યું હતું.