
► બોડેલીમાં 16 ઈંચ, પાવી જેતપુરમાં 10, છોટાઉદેપુરમાં 9 ઈંચ વરસાદ
► નદીના ધસમસતા પ્રવાહમાં નાળા-પુલિયા તૂટી ગયા
► પુર જેવી સ્થિતિમાં ફસાયેલા 40 લોકોને NDRFની ટીમે બચાવ્યા
► રેસ્ક્યૂ ઓપરેશનો હાથ ધરાયા
GUJARAT RAIN: રાજ્યમાં મેઘાવી માહોલ પૂર્ણ રીતે જામી ગયો છે. ગુજરાત મધ્યે 'મેઘ મલ્હાર' સાથે જળ બંબાકાર સર્જાયો છે. છોટાઉદેપુરના બોડેલીમાં 16 ઈંચ, પાવી જેતપુરમાં 10, છોટાઉદેપુરમાં 9 ઈંચ, કવાંટમાં 8 ઇંચ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. નર્મદાના સાગબારામાં અને ડેડિયાપાડામાં 5-5 ઈંચ વરસાદ પડ્યો છે.
મધ્ય ગુજરાતમાં 'બારે મેઘ ખાંગા' થયા છે. ઘરોમાં પાણી ઘૂસ્યા અને રેલવે ટ્રેક - રોડ ધોવાઈ ગયા છે. નદીના ધસમસતા પ્રવાહમાં નાળા-પુલિયા તૂટી ગયા છે. પુર જેવી સ્થિતિમાં ફસાયેલા 40 લોકોની જીંદગી NDRFની ટીમે બચાવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશનો હાથ ધરાયા હતા. આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધી છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે. બોડેલીમાં 16 ઈંચ વરસાદને પગલે જનજીવન પર અસર પડી છે. બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક ધોવાઇ જતાં પ્રતાપનગર - છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે. બોડેલીના એક રહેણાંક વિસ્તારમાં પાણી ઘુસી જતા વિસ્તારમાં તળાવમાં ફેરવાયો છે અહીંથી 40 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. ચલામલી-બોડેલી રોડ પર હાઇસ્કૂલ પાસે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે તેમજ અહીં એક પેટ્રોલ પંપ પણ પાણીમાં ડૂબી ગયો હોવાનું જાણવા મળે છે.
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભારે વરસાદને કારણે ખુબ નુકસાન થયું છે. નસવાડી તાલુકાના પલાસણી ગામના 100 મીટરપુલનો એપ્રોચ તૂટ્યો છે. અશ્વિની નદીના ધસમસતા પાણીને કારણે પેલા પુલ પરનો અડધો અને બાદમાં રોડનો આખો ભાગ તૂટી ગયો. ઘટનાને પગલે આ રોડ બંધ કરવામાં આવ્યો છે અને સ્થાનિક તંત્ર ખડેપગે છે.
પલસાણી ગામમાં અશ્વિની નદી પરનો આ પુલ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. પુલ તો તૂટ્યો જ સાથે પુલની પેરાફીટમાં પણ તિરાડો પડી ગઈ છે. આ પુલ તૂટી જવાને કારણે કરોડોનું નુકસાન થયું છે અને પુલના બાંધકામ સામે પ્રશ્નો ઊભ થયા છે.