
દયાબેનની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ફરી થશે એન્ટ્રી..! અસિત મોદી દર્શકોને મામુ બનાવશે કે સમાચાર સાચા પડશે ?
Dayaben Return In TMKOC : ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા એક દાયકા કરતા પણ વધુ સમયથી તેના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો લગભગ 14 વર્ષથી દર્શકોને ખિલખિલાટ હસાવી રહ્યો છે. શોના દરેક પાત્રો છવાયેલા છે. આ શોની ટીઆરપી હજુ પણ ઘણી સારી છે અને તે સમાચારોમાં રહે છે. આ શોના દરેક પાત્રની વિશાળ ફેન ફોલોઈંગ છે અને દયાબેન દેખીતી રીતે જ ફેવરિટ છે. સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં લાંબા સમયથી દયાબેન ગાયબ જોવા મળી રહ્યા છે.
દર્શકો પણ ઘણાં વખતથી દયાબેનનો અંદાજ શોમાં જોવાનું મિસ કરી રહ્યા છે. દયા અને જેઠાલાલ વચ્ચેની મીઠી તકરાર અને પ્રેમ, મહિલા મંડળ સાથેના ગપાટા અને એ હાલો કહીને ગરબા કરવાની નોખી સ્ટાઈલ જોવા દર્શકો વર્ષોથી તરસી રહ્યા છે. શોના મેકર્સ દર થોડા વખતે દયાબેન પાછા આવશે એવી હવા ઊભી કરતાં રહે છે. પરંતુ જેઠાલાલની સાથે દર્શકો પણ નિરાશ થાય છે. હાલ ફરી એકવાર શોમાં બતાવવામાં આવી રહ્યું છે કે, દયાબેન ગોકુલધામમાં આવી રહ્યા છે. જેઠાલાલ-ચંપકચાચા અને ટપ્પુ તો ખૂબ ખુશ છે પરંતુ મહેતા સાહેબ ટેન્શનમાં છે કારણકે અગાઉ પણ સુંદર, દયા આવશે એવું કહીને જેઠાલાલને ગોળી પીવડાવી ચૂક્યો છે.
શોના લેટેસ્ટ એપિસોડમાં બતાવાયું કે, આખી ગોકુલધામ સોસાયટી દિવાળી ઉજવી રહી છે. સૌ ખૂબ ખુશ છે કારણકે સુંદરલાલ દયાભાભીને લઈને મુંબઈ આવવા નીકળી ગયો છે. સુંદરલાલે જેઠાલાલને વચન આપ્યું છે કે, દિવાળીના દિવસે ગડા હાઉસમાં દીવો દયાના હાથે જ પ્રજ્વલિત થશે. ત્યારે સુંદરલાલે દયાને લઈને આવવા નીકળ્યો હોવાનું કહેતાં જેઠાલાલની ખુશીનો પાર નથી. પરંતુ શું ખરેખર દયાબેન પાછા આવશે?
શોના મેકર્સ દયાબેનની એન્ટ્રી આ વખતે કરાવશે કે પછી દર વખતની જેમ દર્શકોને નિરાશ થવાનો વારો આવશે? દયાબેનનો રોલ કરતી એક્ટ્રેસ દિશા વાકાણી 2017થી શોમાંથી ગાયબ છે. દિશાએ મેટરનિટી લીવ લીધી હતી એ પછી તે પાછી જ નથી આવી. તેના સ્થાને મેકર્સે નવી એક્ટ્રેસ લીધી નથી. થોડા વખત પહેલા અહેવાલ હતા મેકર્સે દયાભાભીના રોલ માટે એક્ટ્રેસિસના ઓડિશન લેવાના શરૂ કર્યા છે. પરંતુ હજી કોઈના નામ પર મહોર નથી વાગી. બીજી બાજુ દિશા વાકાણી અને શોના મેકર્સ વચ્ચેના મતભેદોનો ઉકેલ ના આવતાં તેણી પણ શોમાં પાછી ફરશે કે નહીં તે નક્કી નથી. એવામાં હાલ શોમાં જે ટ્રેક બતાવાઈ રહ્યો છે તેમાં ખરેખર નવા દયાબેન આવશે કે દિશા વાકાણી જ આ રોલમાં પાછી ફરશે, તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
બીજી તરફ સોશિયલ મીડિયા પર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દર્શકો નારાજગી અને રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેમને ડર છે કે, આ વખતે પણ શોના મેકર્સ હંમેશાની જેમ નિરાશ કરશે. શોના પ્રોમો પર કોમેન્ટ કરતાં લોકોએ લખ્યું છે કે, જો દયાબેનના કમબેકની વાત ખોટી નીકળી તો શો નહીં જોઈએ. હવે દયાબેન શોમાં પાછા આવશે કે કેમ એ તો આગામી એપિસોડમાં જ ખબર પડશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Dayaben Return In Taarak Mehta Ka Ooltah Chashmah - Jethalal - Dayaben - Sundarlal