► ભારતે આપ્યો હતો 169 રનનો ટાર્ગેટ
► સાઉથ આફ્રિકાની આખી ટીમ 87 રનમાં સમેટાઈ
► સીરીઝની નિર્ણાયક અને આખરી ટી-20 મેચ રવિવારે રમાશે
રાજકોટ : રંગીલા રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટ્વેન્ટી-20 મેચ રમાઈ હતી. જેમાં આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા શરૂઆત ખરાબ રહી હતી પરંતુ 20 ઓવરમાં 169 રન બનાવ્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકાની આખી ટીમ 87 રનમાં ઓલઆઇટ થઈ ગઈ હતી. આ સાથે ભારતીય ટીમે મેચ જીતીની શ્રેણી 2-2થી બરાબર કરી લીધી છે. હવે સીરીઝની નિર્ણાયક અને આખરી ટી-20 મેચ રવિવારે રમાશે.
રાજકોટના ગ્રાઉન્ડમાં દિનેશ કાર્તિકનું તોફાન જોવા મળ્યું હતું. કાર્તિકે 27 બોલમાં 55 રન બનાવ્યા હતા જેમાં 9 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યો હતા. ક્રિકેટપ્રેમીઓને કાર્તિકના રનનો વરસાદ જોવા મળ્યો હતો.
દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતીય ટીમે આપેલા 170 રનના લક્ષ્ય સામે માત્ર 87 રનમાંજ સમેટાઈ ગઈ હતી. આમ ભારતીય ટીમનો 82 રનથી વિશાળ વિજય નોંધાયો હતો. આ જીત પણ ભારત માટે શાનદાર રહી છે. મેચમાં આવેશ ખાને માત્ર 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. એક જ ઓવરમાં તેણે ત્રણ મહત્વની વિકેટ ઝડપીને ભારતની જીત નક્કી કરી લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 2 અને હર્ષલ અને અક્ષર પટેલે પણ એક એક વિકેટ મેળવી હતી.
ક્વિન્ટન ડી કોક અને કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટીમને સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાવુમા 20 રનના સ્કોર પર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. બાવુમાની વિદાય પછી, દક્ષિણ આફ્રિકાની ટીમ નબળી પડી ગઈ અને ક્વિન્ટન ડી કોક અને ડ્વેન પ્રિટોરિયસના રૂપમાં, મુલાકાતી ટીમની 26 રનમાં 2 વિકેટે પડી ગઈ. હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, રાસી વાન ડુસેન, માર્કો જેન્સન, કેશવ મહારાજ, એનરિક નોર્કિયા એક પછી એક 80 રનમાં પેવેલિયન પરત ફર્યા હતા. રાસીએ સૌથી વધુ 20 રન બનાવ્યા હતા.
આ પહેલા ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન અને કેપ્ટન પંતના રૂપમાં ભારતે 81 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પંડ્યા અને કાર્તિકે શાનદાર ભાગીદારી કરી હતી.બંને વચ્ચે 33 બોલમાં 65 રનની ભાગીદારી થઈ હતી. પંડ્યા અને કાર્તિકના આધારે ભારતનો સ્કોર 81 થી 146 રન પર પહોંચ્યો હતો. ટીમ ઈન્ડિયાને પંડ્યાના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો હતો. પંડ્યા તેની પ્રથમ ટી20 અડધી સદી માત્ર 4 રનથી ચૂકી ગયો હતો. તેણે 31 રનમાં 46 રનની ઇનિંગ રમી હતી. જેમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. કાર્તિક પણ છેલ્લી ઓવરના બીજા બોલમાં 55 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 27 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા.