
એક તરફ સરકાર દ્વારા શાળામાં ગુણોત્સવ અને પ્રવેશોત્સવ જેવા તાયફા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ માટે પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓને ભણાવવા માટે શાળામાં પૂરતા શિક્ષકો જ ન હોય તો વિદ્યાર્થીઓ શાળાએ આવીને કરશે શુ? કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી શિક્ષણ નીતિમાં સ્પષ્ટ કહેવાયુ છે કે 25 વિદ્યાર્થીઓ એક શિક્ષક હોવો જોઈએ, આ રેશિયો ખૂબ ઓછી સ્કૂલોમાં જોવા મળે છે.
અમદાવાદના ધંધુકામાં આવેલા ઊંચડી ગામની શાળામાં 198 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે જ શિક્ષકો છે. અપૂરતો સ્ટાફ હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યુ છે.200 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 શિક્ષકો કેવી રીતે પહોંચી વળે તે સવાલ થવો પણ વ્યાજબી છે. રોજની આ ઘટમાળથી નારાજ વાલીઓએ અને ગામલોકોએ મળીને શાળાને તાળાબંધી કરી દીધી હતી.
ગ્રામજનોએ માગ કરી છે કે શાળામાં શિક્ષકોનો પૂરતો સ્ટાફ મૂકવામાં આવે. જેથી બાળકો સારી રીતે ભણી શકે. ઉલ્લેખનીય છે, શાળામાં પહેલા કુલ 4 શિક્ષકો મૂકાયા હતા,જેમાંથી એકની ગાંધીનગર તો અન્ય એક શિક્ષકની નજીકના ગામમાં બદલી કરવામાં આવી. જેથી ઊંચડી ગામની શાળામાં માત્ર 2 શિક્ષકો વધ્યા છે. તંત્ર તાત્કાલિક ધોરણે પૂરતા શિક્ષકોની નિમણૂક કરે તેવી માગ છે.
રાજ્યના 33 જિલ્લામાં 1657 જેટલી સ્કૂલો માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. સરકાર આદિવાસીઓના કલ્યાણની વાતો કરે છે પરંતુ આ વિસ્તારોની 353 સ્કૂલોમાં એક જ શિક્ષક છે. આ પરિસ્થિતિ વચ્ચે બાળકોનું શિક્ષણ કેવુ હશે તે સમજી શકાય તેમ છે. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં હજી 75 હજાર શિક્ષકોની ઘટ છે. ગુજરાતમાં વારંવાર શિક્ષકોની ભરતી માટે યોજનાઓ લાવવામાં આવે છે. પણ સરકારને યોગ્ય અને તાલીમબદ્ધ શિક્ષકો મળતા નથી. સારા શિક્ષકો ગામડામાં જવા તૈયાર નથી, તેના કારણે ગામડામાં શિક્ષણ વ્યવસ્થાને મોટુ નુકસાન થઈ રહ્યુ છે.
મહત્વનું છે કે રાજ્ય સરકારના જ્ઞાન સહાયક પ્રોજેક્ટનો TET1-2 પાસ ઉમેદવાર વિરોધ કરી રહ્યા છે. અને કરાર આધારીત ભરતી રદ્દ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે સરકાર પાસે તાત્કાલીક આ પ્રશ્નનું નિવારણ લાવવું કઠીન બની શકે છે. પરંતુ આટલા વર્ષોથી કાયમી શિક્ષકોની મોટી સંખ્યામાં ભરતી થઈ ન હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. અને ખાસ કરીને અંતરાિયાળ વિસ્તારમાં આવેલી શાળાઓના બાળકો માટે ભારે મુશ્કેલી પડી છે. આવી રીતે જ ચાલતું રહેશે તો ગુજરાત ભણશે કેવી રીતે ?
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાતી સમાચાર - Entertainment news - Viral News Video Photos - હાલના તાજા સમાચાર ગુજરાતીમાં