
રસોડામાંથી ફેંકવા જેવી વસ્તુઓમાંથી બનાવો અનોખી રેસિપી, શાકભાજી-ફ્રુટની છાલ અને બીજમાંથી બનાવો સ્વાદિષ્ઠ વાનગી...
ઝીરો વેસ્ટ રસોઈ સાથે, તમે તમારા પરિવારને નવી વાનગીઓનો સ્વાદ પણ આપી શકશો અને રસોડાનો કચરો પણ ઘટાડી શકશો. શાકભાજી ધોવા, છોલવા, કાપવા, બીજને દુર કરવાઅને પછી રસોઈ બનાવવી, આ પ્રક્રિયા દરમિયાન આપણે દરરોજ રસોડામાંથી ઘણો કચરો કાઢીએ છીએ, અને મોટાભાગની શાકભાજી અને ફળો કચરાપેટીમાં જાય છે. હા, ઘણા લોકો તેનુ ખાતર બનાવીને શ્રેષ્ઠ ઉપયોગ કરે છે, પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો આવુ કરી શકતા નથી. જો આપણે ફક્ત આ કચરો ઓછો કરી શકીએ તો કેટલું સારું થશે?
તમે આ વસ્તુમાંથી તમારા પરિવારને કેટલીક નવી અને પૌષ્ટિક વાનગીઓ પણ ખવડાવી શકશો. ઝીરો વેસ્ટ શાકભાજીને રાંધવાની ઘણી પદ્ધતિઓ છે. તમે તમારા સ્વાદ અનુસાર ઘણા ઉપયોગ કરી શકો છો. જેમાની કેટલીક અહીં રજૂ કરવામાં આવી છે...
1. કેળાની છાલના પકોડા
આપણે બધા જાણીએ છીએ કે કેળા એક એવું આરોગ્યપ્રદ ફળ છે. પરંતુ તેની છાલ પણ ઓછી પૌષ્ટિક નથી. કાચા કેળાની કઢી બનાવતી વખતે આપણે તેની છાલને કાઢીને ફેંકી દઈએ છીએ, આવી સ્થિતિમાં પોષણત્તત્વો કચરામાં જાય છે. પરંતુ આ છાલથી તમે સાંજના નાસ્તા માટે ઉત્તમ અને પોષ્ટિક પકોડા બનાવી શકો છો. તમે કેળાની છાલ સાથે બચેલા ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો. કેળાની છાલને નાના-નાના ટુકડા કરી લો અને તેમાં ચણાનો લોટ અને મસાલો મિક્સ કરીને પકોડા બનાવવા, તમારે એકવાર આવા સ્વાદિષ્ટ પકોડા બનાવવા જ જોઈએ.
2. છાલ સાથે શાકભાજીને રાંધવા
બટાકા અને કાકડી જેવા શાકભાજીની સ્કિન વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તેથી હવે જ્યારે તમે બટાકા અથવા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવશો, ત્યારે બટાટાને સારી રીતે સાફ કરો અને તેની છાલ સાથે જ તેને રાંધો. જો તમે બટાકાની છાલ કાઢી રહ્યા હોય તો તેને અલગથી શેકીને પકોડા પણ બનાવી શકો છો. બટાકાની છાલવાળુ શાક પણ ઘણા લોકોનું પ્રિય શાક છે. જો તમે હજી સુધી તે નથી બનાવ્યું, તો એકવાર ચોક્કસ બનાવો, બીજી વખતથી તમે છાલને દૂર કરવાનું ભૂલી જશો.3. વેજીટેબલનો સ્ટોક
વેજીટેબલ સ્ટોકનો ઉપયોગ ઘણી ગ્રેવી શાકભાજી અથવા સૂપ બનાવવા માટે થાય છે. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તમે હોમમેઇડ વેજીટેબલ સ્ટોક બનાવવા માટે ગાજર, કોબી, બીટ, ડુંગળી વગેરેની છાલ, બીજ અથવા ટામેટાંનો ઉપરનો ભાગ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ બધાને એકસાથે પાણીમાં ઉકાળીને, તમે સ્ટોક તૈયાર કરી શકો છો અને તેને એક મહિના માટે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.4. તરબૂચના છાલનુ શાક
આપણે તરબૂચનો મીઠો લાલ ભાગ ખાઈએ છીએ અને તેની જાડી ત્વચાને ફેંકી દઈએ છીએ. પરંતુ જો તમે આ જાડી છાલને કાપીને શાક બનાવો છો, તો તે ખૂબ જ સરસ શાક બને છે. જરા વિચારો આનાથી રસોડામાં કેટલો બગાડ ઓછો થશે અને તરબૂચના પૂરા પૈસા પણ વસૂલ થશે. આ માટે તમારે છાલને કાપીને ઉકાળવી, બાદમાં આમચૂર અને ગોળ નાખીને શાક બનાવવુ..જે ખાટુ-મીઠુ શાક બનશે.5. કાકડીના છાલની ચટણી
તમે કોથમીર કે ફુદીનાની ચટણી તો ખાધી જ હશે, પરંતુ શું તમે ક્યારેય કાકડીની છાલની ચટણી ખાધી છે. ? જો તમે ન ખાદ્યુ હોય, તો ચટણી બનાવવામાં કાકડીની છાલનો ઉપયોગ ચોક્કસ કરો. આ માટે કાકડીની છાલને સારી રીતે ધોઈને તેમાં આદુ, લીલા મરચાં, લસણ, મગફળી, મીઠું, થોડો લીંબુનો રસ ઉમેરીને ચટણી બનાવો. તમને અને તમારા પરિવારને તે ચોક્કસપણે ભાવશે.
6. કોબીની જાડી દાંડીનુ શાક
ઘણીવાર ફૂલકોબી પણ તેની જાડી દાંડી સાથે આવે છે, જેને આપણે પહેલા કાપીને ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તમે તેનો ઉપયોગ સારુ લીલોતરી શાક બનાવવા માટે કરી શકો છો. દાંડીને નાના ટુકડાઓમાં કાપો, તેને થોડું તેલ અને લસણ સાથે રાંધો. અને તરત જ એક સ્વાદિષ્ટ શાક તૈયાર થઈ જશે, જે દરેકને ચોક્કસ ગમશે.
7. કેરીના ગોટલામાંથી મુખવાસ
ઉનાળામાં આપણે ઘણા કિલો કેરી ખાઈએ છીએ, અને તેના ગોટલામાંથી ઘણા લોકો સારો મુખવાસ બનાવતા હોય છે. જે માટે કેરીના ગોટલાને તોડીને અંદરથી નાનુ બીજ બહાર કાઢો. તેને મીઠા વાળા પાણીમાં 10 મિનિટ સુધી ગરમ કરો. અને તે બાદ તેને સૂકવી લો અને પછી તેને મનપસંદ આકારમાં કાપી લો, તેમાં ચાટ મસાલો ઉમેરો અને બોક્સમાં ભરો. આ મુખવાસ તમને ખુબ જ સ્વાદિષ્ઠ લાગશે.8. જડીબુટ્ટીઓની દાંડી સાથે વાનગીઓની સુગંધમાં કરો વધારો
ઘણી વખત આપણે કોથમીર, ફુદીનો, તુલસી જેવી જડીબુટ્ટીઓના પાનનો ઉપયોગ શાકમાં કરીએ છીએ, પરંતુ તેની દાંડીઓ ફેંકી દઈએ છીએ. જેમાં ઘણો સ્વાદ રહેલો હોય છે, તમે આ દાંડીના નાના-નાના ટુકડા કરી શકો છો અને તેને તમારી કોઈપણ વાનગીમાં ઉમેરી શકો છો, તેનાથી તમારી વાનગી સ્વાદિષ્ઠ અને સુગંધીદાર બનશે.આ ઉપરાંત, તમે બાયો-એન્ઝાઇમ બનાવવા માટે નારંગી અને લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. જેમ જેમ તમે વિચારવાનું શરૂ કરશો, તેમ ઘણા વિકલ્પો આપોઆપ આવી જશે અને તમે ઝીરો વેસ્ટ રસોઈમાં નિષ્ણાત બની જશો. જો તમારી પાસે પણ આવી કોઈ વાનગી હોય તો અમારી સાથે શેર કરવાનું ભૂલશો નહીં.