
સમય સમયની વાત છે! ગઈ કાલે જે ટમેટાં ૨૦૦ રૂપિયા કિલો વેચાતાં હતાં એ ટમેટાંના ભાવ ૪ રૂપિયાથી ૭ રૂપિયા કિલો થઈ જતાં હવે ખેડૂતો ટમેટાં રસ્તા પર ફેંકવા માંડ્યા છે. જોકે આ હાલતમાં પણ મુંબઈની રીટેલ માર્કેટમાં સારી ગુણવત્તાના નામે ટમેટાંના ભાવ ૪૦થી ૫૦ રૂપિયા કિલો વેચાઈ રહ્યાં છે. નવી મુંબઈના શાકના વેપારીઓ કહે છે કે દિલ્હીમાં G20ને કારણે અને ગુજરાતમાં જન્માષ્ટમીની લાંબી રજાઓને કારણે આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ટમેટાંના માલમાં ભરાવો થઈ ગયો છે એને કારણે ટમેટાંના ભાવ તૂટી ગયા છે. ખેડૂતોને તો ટમેટાંના ભાવ બે રૂપિયાથી લઈને પાંચ રૂપિયા કિલો પણ મળતા નથી. આથી તેઓ માર્કેટમાં વેચવા કરતાં રસ્તા પર ફેંકીને તેમનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
છેલ્લા બે-ત્રણ મહિના બજારમાં ટમેટાંના ભાવ આકાશની સપાટીએ પહોંચી ગયા હતા. સામાન્ય દિવસોમાં ૨૫થી ૩૦ રૂપિયા કિલો રીટેલમાં વેચાતાં ટમેટાંના ભાવ ૨૦૦થી ૨૨૫ રૂપિયા કિલો વેચાયાં હતાં. એ સમયે કમોસમી વરસાદ અને ગરમીને કારણે ટમેટાંના ઉત્પાદન પર ભારે અસર થઈ હોવાથી ભાવ નિયંત્રણમાં નહોતા. ત્યાર પછી સરકારે સસ્તા ભાવે ટમેટાં વેચવાની શરૂઆત કરતાં ધીરે-ધીરે માર્કેટ નીચી આવવા માંડી હતી. જોકે રીટેલ વેપારીઓ તો માલની અછતના નામે ૧૪૦થી ૧૬૦ રૂપિયે કિલોના ભાવે ટમેટાં વેચતા હતા એને કારણે અનેક ગૃહિણીઓએ તેમના રસોઈના મેનુમાંથી ટમેટાંને બાકાત કરી નાખ્યાં હતાં તો અમુક ગૃહિણીઓ ટમેટાંનો વિકલ્પ શોધીને રસોઈ બનાવતી હતી.
આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રના કૃષિ બજારમાં ટમેટાંના ભાવ ઘટીને બે રૂપિયાથી પાંચ રૂપિયા પહોંચી ગયા હતા એને કારણે ખેડૂતોને તેમના ઉગાડેલાં ટમેટાં રસ્તા પર ફેંકી દેવાની ફરજ પડી છે. બજારના ખેડૂતોએ દાવો કર્યો હતો કે તેઓને ટમેટાંના વર્તમાન ભાવ સાથે મૂળભૂત લૉજિસ્ટિક્સ પણ પરવડી શકતા નથી. ૬ સપ્ટેમ્બરે આંધ્ર પ્રદેશની એશિયાની સૌથી મોટી કોલારની જથ્થાબંધ બજારમાં ટમેટાંના ભાવ જુલાઈમાં લગભગ ૨૦૦ રૂપિયા કિલોને સ્પર્શી ગયા હતા એ ઘટીને છેક ૧૦ રૂપિયા કિલો થઈ ગયા હતા.
બેંગ્લોરના રીટેલ સ્ટોરમાં આ ટમેટાં ૧૫થી ૨૦ રૂપિયા કિલો વેચાય છે, જે બે દિવસમાં ઘટીને ૧૦ રૂપિયા કિલો થવાની ધારણા છે. એને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આથી કોલારમાં ટમેટાં હરાજીમાં વેચાયા વગર રહી ગયાં હોવાથી ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ ટમેટાં રસ્તા પર ફેંકી દીધાં હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. મે અને જુલાઈ વચ્ચે જ્યારે પાક અન્યત્ર રાજ્યોમાં ઉત્પન્ન થયો નહોતો ત્યારે કોલાર લગભગ સમગ્ર ભારતમાં ટમેટાં પહોંચાડતું હતું. જુલાઈના પ્રથમ સપ્તાહમાં કોલારની બજારમાં ૧૫ કિલો ટમેટાંનું એક બૉક્સ ૨૨૦૦ રૂપિયાના રેકૉર્ડ ભાવે વેચાયું હતું. જ્યારે ગઈ કાલે આ જ બૉક્સની કિંમત ૧૦૦થી ૧૫૦ રૂપિયાની રેન્જમાં હતી.
આવી જ હાલત મહારાષ્ટ્રની પણ છે. આ સંદર્ભે પુણેના નારાયણગાંવ બજારના વેપારીએ કહ્યું હતું કે ‘અમારી હોલસેલ માર્કેટમાં રોજ ૨૦ કિલોનું એક ક્રેટ એવાં ૩૫,૦૦૦ કેરેટ ટમેટાંની આવક છે, જે ખેડૂતો પાસેથી પાંચથી સાત રૂપિયે કિલોના ભાવે વેપારીઓ ખરીદે છે. જોકે ખેડૂતોને આ ભાવથી સંતોષ નથી. તેમને પૂરતા ભાવ ન મળતા હોવાથી તેઓ ખૂબ નારાજ છે. એટલું જ નહીં, સામે તેમના ઉત્પાદનની સરખામણીમાં હોલસેલ માર્કેટમાં અત્યારે ખરીદી પણ નથી. આથી ખેડૂતો તેમના વધારાના ઉત્પાદનને ફેંકી દે છે. આમ પણ સ્ટૉક કરીને પણ તેમને નુકસાન જ છે. આ ટમેટાં અમે હોલસેલમાં ૧૦થી ૧૪ રૂપિયે કિલો વેચીએ છીએ.’
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Vegitables News In Gujarati