► શરદ પવારના ઈન્કાર બાદ ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીને વિપક્ષી ઉમેદવાર બનાવવા કવાયત
► આપ, ટીઆરએસ તથા બીજેડી બેઠકમાં સામેલ ન થવાના સંકેત: વિપક્ષી એકતા ખાતર ડાબેરીઓ જોડાશે
► વિપક્ષોને વિશ્વાસમાં લઈ ઉમેદવાર મુદ્દે સર્વસંમતિ સર્જવા ભાજપની પણ કવાયત: રાજનાથ-નડ્ડા વિપક્ષી નેતાઓને મળશે
નવી દિલ્હી: ભારતમાં નવા રાષ્ટ્રપતિપદની ચૂંટણી પુર્વેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ હોય તેમ ભાજપ સરકારના ઉમેદવાર સામે પ્રતિસ્પર્ધી વિપક્ષી ઉમેદવાર ઉભા રાખવા માટે વિરોધપક્ષોનો બેઠકોનો દોર શરુ થયો છે. પીઢ નેતા શરદ પવારના ઈન્કાર બાદ ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીનું નામ ચર્ચામાં આવ્યું છે. આજે વિપક્ષોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી પુર્વે વિપક્ષોને એક કરવા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હીમાં બેઠક બોલાવી છે. વિપક્ષી એકતાને ઝટકો લાગવાનો હોય તેમ આમ આદમી પાર્ટી, ટીઆરએચ તથા બીજુ જનતાદળ તેમાં સામેલ ન થાય તેવા સંકેત છે. ડાબેરી પક્ષોએ પણ અગાઉ જ નારાજગી દર્શાવી દીધી છે.
સૂત્રોએ એમ કહ્યું કે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર નકકી થયા બાદ આમ આદમી પાર્ટી સમર્થન આપવાના મુદે વિચારણા કરશે. રાષ્ટ્રપતિની ચૂંટણી 18મી જુલાઈએ યોજવાની છે. 29મી જૂન સુધી ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ છે. વર્તમાન રાષ્ટ્રપતિની મુદત 24 જુલાઈએ પૂર્ણ થવાની છે.
મમતા બેનર્જીએ આજની બેઠક પુર્વે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર બનવા શરદ પવારને આગ્રહ કર્યો હતો. પરંતુ તેઓએ ઈન્કાર કરી દીધો હતો. શાસક ભાજપ પાસે બહુમતી હોવાની વિપક્ષી હાર નિશ્ચિત છે એટલે પરાજય માટે ચૂંટણીમાં ઉતરવા માંગતા નથી.
શરદ પવારના ઈન્કાર બાદ વિપક્ષ દ્વારા પશ્ચીમ બંગાળના પુર્વ રાજયપાલ ગોપાલકૃષ્ણ ગાંધીના નામની વિચારણા શરૂ કરવામાં આવી છે. બપોરે ત્રણ વાગ્યે યોજાનારી બેઠકમાં સર્વસંમતિ થાય છે કે કેમ તે મહત્વનું બનશે. વિપક્ષી નેતાઓએ 77 વર્ષીય ગોપાલકૃષ્ણ ગાંધી સાથે ફોનમાં વાતચીત પણ કરી હતી.
મમતા બેનર્જીની બેઠક સામે નારાજગી દર્શાવનારા ડાબેરી નેતાઓએ જો કે, વિપક્ષી એકતા અકબંધ રહી શકે તે માટે બેઠકમાં જોડાવાનું જાહેર કર્યુ છે. ટોચના નેતાઓ હાજરી નહીં આપે પરંતુ રાજયસભાના પક્ષના નેતા ઈ.કરીમ પ્રતિનિધિરૂપે ભાગ લેશે. કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ તથા રણદીપ સુરજેવાલે સામેલ થશે.