આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને ધ્યાને રાખી રાજકારણમાં આગળ વધતું જણાય છે. આમ આદમી પાર્ટીએ શિક્ષણ મુદ્દે ગુજરાત સરકારનો ઘેરાવ કર્યા બાદ મફત વીજળી [Free Electricity]ના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જે અંતર્ગત 15 જૂનના રોજથી આમ આદમી પાર્ટી વીજળી મુદ્દે આંદોલન અને જનસંપર્કની શરૂઆત કરશે.
AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ અમદાવાદ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે આગામી સમયમાં વીજળી અને શિક્ષણ [Education]ના મુદ્દા ઉઠાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
પત્રકાર પરિષદમાં ગોપાલ ઈટાલીયા [Gopal Italiya]એ જણાવ્યું હતું કે, “સમગ્ર દેશમાં માત્ર દિલ્હી એક છે જે જનતાને મફતમાં વીજળી આપે છે અ આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં ટૂંક સમયમાં આ યોજના શરૂ કરવા જઈ રહી છે. જો પંજાબ અને દિલ્હીને મફત વીજળી મળી શકે તો ગુજરાતની જનતાને કેમ નહીં. માટે આગામી સમયમાં આ માંગણી સાથે આંદોલન શરૂ કરવા જઈ રહ્યાં છીએ. કારણ કેસ, ગુજરાતમાં લોકોને વીજળીના ભાવના નામે લૂંટવામાં આવી રહ્યાં છે? આ લૂંટમાંથી પ્રજાને બચાવવા અમે આવનારા સમયમાં વીજળીના મુદ્દે આગળ વધવાના છીએ.”
વધુમાં તેમણે આગામી 15 જૂનના રોજથી આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં વીજળી માટેનું આંદોલન કરવા તેમજ જિલ્લા વાઈઝ પત્રકાર પરિષદ યોજી મફત વીજળીની માંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સાથે જ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા ઈટાલીયાએ કહ્યું કે, “આમ આદમી પાર્ટી હવે જનતાને લૂંટવા માટે ભાજપના લોકોએ વીજ કંપનીઓ સાથે મળીને બનાવેલા પ્લાનને રોકવાનું કામ કરશે.” સાથે જ તેમણે જણાવ્યું હતું કે વીજળી મુદ્દે રાજ્યભરમાં લોક સંપર્ક પણ કરવામાં આવશે. જે અંતર્ગત તારીખ 16 જૂનથી તારીખ 24 જૂન સુધી લોકસંપર્કનો દૌર નક્કી કરવામાં આવ્યો છે.