
આવતાં મહિને 19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થવાનો છે ત્યારે આ તહેવારની રંગેચંગે ઉજવણી થાય અને કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બની જાય તે માટે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગણેશ મહોત્સવના આયોજકો સાથે એક મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેઠક બાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું જેમાં કોઈ પણ પંડાલમાં ગણેશજીની નવ ફૂટથી વધુની ઉંચાઈવાળી મૂર્તિ મુકવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે સાથે સાથે દરેક પંડાલમાં સીસીટીવી મુકવા ફરજિયાત રહેશે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈ, ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવ ઉપરાંત દરેક પોલીસ મથકના પીઆઈ સહિતનાની ઉપસ્થિતિમાં ગણેશ મહોત્સવના આયોજકો સાથે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં અલગ-અલગ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે સાથે આયોજકોના સુચનોનો પણ સ્વીકાર કરાયો હતો.
આ બેઠક બાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઑફ પેરિસની બનાવવા ઉપર, નવ ફૂટ કરતાં ઉંચી મૂર્તિ બનાવવા, વેચવા, સ્થાપના કરવા ઉપર, નક્કી કરેલા વિસર્જન સ્થળો સિવાય અન્ય સ્થળે મૂર્તિનું વિસર્જન કરવા ઉપર, મૂર્તિની બનાવટમાં કોઈ પ્રકારની ગંદકી ફેલાવવા ઉપર, ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર, કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાય તે પ્રકારના ચિન્હો-નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા ઉપર, સ્થાપના-વિસર્જન સરઘસના રૂટ સિવાયના રૂટ ઉપરથી સરઘસ યોજના ઉપર, ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર ગણેશ પંડાલનું આયોજન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
આ જાહેરનામાનો અમલ નહીં કરનારા આયોજકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ બેઠકમાં આયોજકોને જણાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - રાજકોટ સમાચાર ગુજરાત સમાચાર