
Ahmedabad Iscon Bridge Accident : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પુરપાટ ઝડપે આવીને 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલ પર આખુંય ગુજરાત ફિટકાર વરસાવી રહ્યું છે. અમદાવાદના એસજી હાઈવે પર બેફામ કાર ચલાવી નવ લોકોને મોતને ઘાટ ઉતારી દેનારો ધનવાન પરિવારનો આ નબીરો અને તેનો બાપ બંને હાલ તો જેલના સળીયા ગણી રહ્યા છે, ત્યારે હવે સવાલ એ છે કે ગુજરાતના આ સૌથી ભયાનક હિટ એન્ડ રન કેસના આરોપીને કોર્ટ કયારે અને કેટલી સજા ફટકારશે?
તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે એસજી હાઈવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તેમાં તેની સામે IPCની કલમ ૩૦૪ હેઠળ ખૂન ના ગણાય તેવો સાપરાધ મનુષ્ય વધનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, તથ્ય વિરૂદ્ધ જે અલગ-અલગ કલમો લગાવાઈ છે તેમાં સૌથી વધુ સજાની જોગવાઈ આ જ ગુનામાં છે. આ કેસની તપાસ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ થવાની છે, અને તેની ચાર્જશીટ પણ એક અઠવાડિયામાં જ દાખલ કરી દેવાશે તેવી જાહેરાત પણ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે.
મહત્વનું છે કે, તથ્ય પટેલે અકસ્માત કર્યો તેની થોડી વારમાં જ તેના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે તથ્યને ઘેરીને ઉભેલા ટોળા સાથે ઝઘડો કરી તેમજ ધાકધમકી તથ્યને ક્રાઈમ સીન પરથી ભગાડી ગયા હતા. તેવામાં પોલીસે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આ કેસમાં આરોપી બનાવ્યા છે. આ ઉપરાંત, તથ્ય સાથે કારમાં બીજા ચાર લોકો સવાર હતા તેમને પણ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા.
કલમ ૩૦૪ હેઠળ નોંધાયેલો ગુનો જો કોર્ટમાં સાબિત થાય તો તેમાં આરોપીને ૧૦ વર્ષની કેદ સુધીની સજા તેમજ દંડ થઈ શકે છે. આ સિવાય તથ્ય સામે જે ગુના નોંધાયા છે તેમાં બેદરકારીથી વાહન ચલાવવા ઉપરાંત કોઈને ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડવાના ગુનાનો સમાવેશ થાય છે, જેમાં બે વર્ષથી લઈને છ મહિનાની જેલનો સમાવેશ થાય છે. ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર, તથ્ય સામે IPCની કુલ સાત અને મોટર વ્હીકલ એક્ટની ત્રણ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદમાં ૨૦૧૩માં આવી જ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં વિસ્મય શાહ નામના ધનાઢય પરિવારના નબીરાએ જજીસ બંગલો વિસ્તારમાં બેફામ BMW કાર દોડાવી રાહુલ અને શિવમ નામના બે યુવકોને હવામાં ફંગોળીને મોતને ઘાટ ઉતાર્યા હતા. તે વખતે પણ વિસ્મય સામે ૩૦૪ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને તેને ૧૩ મહિના જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. તે કેસમાં વિસ્મય શાહને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, તેમજ મૃતકોના પરિવારજનોને ૫-૫ લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ અપાયો હતો, વિસ્મય હાલમાં પણ જેલમાં પોતાની સજા કાપી રહ્યો છે. જોકે, આ દરમિયાન તે અનેકવાર ચર્ચામાં પણ આવ્યો હતો, જેલમાંથી તેની પાસેથી મોબાઈલ મળ્યો હતો તેમજ અડાલજમાં તે પોતાના દોસ્તો અને પત્ની સાથે દારૂની મહેફિલ માણતા પણ પકડાયો હતો.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarat Trending News