
કચ્છમાં સવા ચાર સદી જેટલો જૂનો ઇતિહાસ ધરાવતી ખારેક દેશ-દુનિયામાં પંકાય છે. છેક સિંગાપોર, યુરોપ સુધીના વિદેશીઓને વ્હાલી કચ્છની કમાલ ખારેકના વાવેતરમાં વરસો વરસ વધારો થઇ રહ્યો છે, પરંતુ આ વખતે બિપોરજોય વાવાઝોડાંએ બાજી બગાડી છે. તોફાની પવન અને વરસાદના રૂપમાં કુદરતની કારમી થપાટથી દેશી ખારેક ખુવાર થઇ ગઇ છે. ખારેકના હબ સમાન ધ્રબ સહિત મુંદરા પંથકમાં મોટાભાગે વવાતી દેશી ખારેકના વૃક્ષો મૂળસોતાં ઉખડી ગયા, ક્યાંક ખારેક ફાટી ગઇ. આમ, ફાલ ઓછો હાથમાં બચ્યો હોવાથી હાથ પર છે, તે ફળના બજારમાં ભાવ સારા મળશે. જોકે, પુનર્વસન ઝંખતી ખારેકમાંથી મોસમની મીઠી કમાણીના કિસાનોના સ્વપ્ન પર આ વખતે કુદરતના કોપે પાણી ફેરવી દીધું છે. બીજી તરફ `બારહી' તરીકે જાણીતી ઇઝરાયેલી ખારેકની મોસમ હજુ શરૂ થઇ છે. ત્યારે કમસેકમ પખવાડિયાથી એકાદ મહિના સુધી ભારે ગતિ સાથે વરસાદ ન થાય તો બજારમાં બારહીની બોલબાલા કચ્છી કિસાનોને કમાણી કરાવી આપશે તેવું દેખાઇ રહ્યું છે. આ વખતે ખારેક ખેડૂતોને બારમાસનો રોટલો તો રળી નહીં જ આપે. ખારેકમાં `આંકડા વગરનું નુકસાન' છે. મતલબ એવો છે કે, સટિક અંદાજ ન કરી શકાય. એ હદની ખુવારી છે, એ જોતાં ઉત્પાદન ઓછું હોવાથી આ મોસમમાં `કચ્છી કિસાનોનું કલ્પવૃક્ષ' કેવો કારોબાર કરશે તેનું અનુમાન પણ અઘરું જણાય છે.
કચ્છમાંથી 18,800 હેક્ટર એટલે કે, 45 હજાર એકરથી વધુ ભૂભાગ પર ખારેકની ખેતી થઇ છે. પરંતુ 1998ના વાવાઝોડાં પછી આ વખતે ત્રાટકેલાં વાવાઝોડાંએ ઐતિહાસિક નુકસાન કર્યું છે. મોટાભાગે દેશી ખારેકની ખેતી કરતા મુંદરા પંથકને કમરતોડ ફટકો લાગ્યો છે. મુંદરાના વાડી ખેતરોમાં ખારેકની ખેતીને પુન: ધબકતી કરવા સત્વરે પુનર્વસન પેકેજ જેવા પીઠબળની જરૂર છે. બીજી તરફ, ભુજ, અંજાર, નખત્રાણા, અબડાસા, માંડવી સહિત વિસ્તારોમાં મોટાભાગે બારહીનું વાવેતર થાય છે. બારહીને વાવાઝોડાંથી માંડ 10 ટકા નુકસાન થયું હોવાથી આ વિસ્તારના ખેડૂતો માટે વરસાદ ન થવાની શરતે કમાણી માટે ઉજળી સ્થિતિ દેખાય છે, તેવું આશાપુરા ફાર્મના સૂત્રધાર અને પ્રયોગશીલ કિસાન અગ્રણી હરેશભાઇ મોરારજી ઠક્કર કહે છે. બાંગલાદેશ સરકારે ડયુટીમાં વધારો કરતાં વેપાર ઘટશે મોસમમાં રોજની 400થી 500 ટન ખારેક બાંગલાદેશ જાય છે, પરંતુ પાડોશી દેશની સરકારે આ મીઠાં મધુરાં ફળની આયાત પર ડયૂટી પ્રતિ એક કિલોગ્રામ 15માંથી વધારીને સીધી 70 રૂપિયા કરી નાખતાં ત્યાંના વેપારી સમુદાયમાં વિરોધ અને નારાજગી ફેલાઇ છે. બાંગલાદેશી વેપારીઓ બારહી કચ્છમાંથી ખરીદશે ખરા, પરંતુ ડયૂટી વધતાં ખરીદીમાં ઘટાડાના કારણે કચ્છી કિસાનોની કમાણી ઘટશે. વડીલો, પૂર્વજોના સવા ચારસો વર્ષ જૂના ખારેકની ખેતીના વારસાને આજેય ટકાવી બેઠેલા અને ખારેકની જન્મભૂમિ ધ્રબના પીઢ કિસાન હુસેનભાઇ તુર્ક કહે છે કે, પહેલાં બિપોરજોયે બાજી બગાડી, પછી ઉતારા વચ્ચે વરસાદ વેરી બન્યો. દેશી ખારેકના ફાલને ફટકો મોટો પડયો છે. સામાન્ય રીતે આખે આખો જુલાઇ મહિનો બજારની ક્રિઝ પર ટકી જતી દેશી ખારેક આ વખતે હવે માંડ 10 દિવસ ખેંચશે.
આ પણ વાંચો: પ્રવાસી શિક્ષકોના ભરોસે ભાવી ! કચ્છ જિલ્લાની સરકારી શાળામાં 1692 શિક્ષકોની ઘટ...
આ 10 દિવસ વરસાદ વગર કોરા જાય તો માંડ બે-પાંચ ટકા બચેલી દેશી ખારેકમાંથી બે-પાંચ પૈસા કમાણી મળે. બીજી તરફ બારહી (ઇઝરાયેલી) ખારેકની તો મોસમ જ હવે શરૂ થાય છે. જુલાઇ મહિનો કોરો જાય તો કમાણી થાય અને તો બજારમાં બારહીની બોલબાલા રહેશે તેવું શ્રી તુર્ક કહે છે. સાત દાયકા જેટલો ખારેકની ખેતીનો પ્રલંબ અનુભવ ધરાવતા અભ્યાસુ કિસાન અગ્રણી હુસેનભાઇ કહે છે કે, કચ્છના કિસાનો દેશીમાં દાઝ્યા. હવે જો વરસાદ જોશભેર વરસે તો બારહીનીયે બાજી બગડે. પ્રયોગશીલ કિસાન અને ભુજના નગરપતિ ઘનશ્યામભાઇ રસિક ઠક્કર કહે છે કે, વાવાઝોડાં વરસાદથી દેશી ખારેક ખુવાર થયા પછી વ્યથિત કિસાનો હવે બારહી જામવા પર મદાર રાખી બેઠા છે. બાંગલાદેશના વેપારીઓ કચ્છમાં ઉતરી પડયા છે અને ખારેકના બગીચાઓ પસંદ કરવા માંડયા છે. એકાદ મહિનો વરસાદ ભારે જોશભેર ન પડે તો સારો ફાલ ઉતરે અને બારહી મોસમની મીઠી કમાણી કરાવી શકે, તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો છે.
વરસાદથી બચી જશે તો બારહીના સુરત, રાજકોટ, વેરાવળ, મોરબીની બજારોમાં પણ સારા ભાવ મળશે. માનકૂવામાં ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ખારેકની ખેતી કરતા પ્રયોગશીલ ખેડૂત કહે છે કે, બજારમાં વેચાણ માટે મૂકી શકાય તેવો ફાલ 20 ટકા માંડ બચ્યો છે. બારમાસનો રોટલો નાના ખેડૂતને રળી આપતી ખારેક આ વખતે ખર્ચના ખાડા પૂરી આપે તો પણ ભાગ્ય સારાં, આમ કુદરતના પ્રકોપને લીધે આ સિઝનમાં ખેડૂતને પડ્યા પર પાટ્યું લાગ્યું છે. અને મો સુધી આવેલો કોળ્યો છીનવાયો છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Saurashtra Kutch News