
ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર મુશળધાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગત સપ્તાહે છૂટક વરસાદ પડી ગયા બાદ પરિસ્થિતિઓ ફરી એકવાર અનુકૂળ બની રહી છે. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ચોમાસું સોળે કળાએ ખીલી ઊઠશે. હવામાન વિભાગની (IMD) આગાહી અનુસાર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. આ વચ્ચે હવે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યું અનુસાર, ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. આ 5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં પણ સર્ક્યુલેશનના કારણે વરસાદની શક્યતા છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, આગામી 5 દિવસ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ થશે. આ દરમિયાન અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 7 અને 8 જુલાઈ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે માછીમારોએ દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે (7 જુલાઈ)એ અમરેલી, ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, આણંદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત હવામાન ખાતા દ્વારા 8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં યેલો એલર્ટ અપાયું છે. આવતીકાલે કચ્છ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news