
pavagadh ropeway collapses : પંચમહાલમાં આવેલા પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે શનિવારે માલવાહક રોપ વે તૂટી પડવાની ઘટના બની છે, જેમાં 6 લોકોનાં મોત થયાં છે
pavagadh ropeway collapses : પંચમહાલમાં આવેલા પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે શનિવારે માલવાહક રોપ વે તૂટી પડવાની ઘટના બની છે, જેમાં 6 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી છે. ભારે પવનને પગલે શ્રદ્ધાળુઓ માટેનો રોપવે પણ બંધ કરાયો છે.
મળતી માહિતી પ્રમાણે પાવાગઢમાં શનિવારે માલસામાન લઈ જવાનો ગુડ્સ રોપ-વે અચાનક તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. પાવાગઢના માંચીથી નિજ મંદિર સુધી બાંધકામ માટેની સામગ્રી ગુડ્સ રોપ-વે દ્વારા લઈ જવામાં આવી રહી હતી, આ દરમિયાન રોપવેનો તાર તૂટી જતાં દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પાવાગઢમાં શ્રદ્ધાળુઓને લાવવા લઇ જવા માટેનો રોપ વે અલગ છે.
પંચમહાલના કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું હતું કે આજે બપોરે માલ-સામાન લઈ જતી રોપ-વે તૂટી પડી હતી. કેબિનની અંદર પાંચ લોકો હતા અને ઉપરથી પાછા આવી રહ્યા હતા ત્યારે ચોથા ટાવર પાસે કેબલ તૂટી ગયો હતો અને તે ટાવર નંબર એક સાથે ટકરાયો હતો. પાંચેય લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ટક્કરને કારણે ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિનું પણ મોત થયું હતું.
દહિયાએ જણાવ્યું હતું કે તેમણે ઘટનાના કારણોની તપાસ માટે તકનીકી સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે માલ રોપ-વેના સંચાલકની નિમણૂક મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પાવાગઢમાં એક રોપ વે મુસાફરો માટે છે અને બીજો રોપ વે માલસામાન માટે છે. પ્રાથમિક માહિતી મુજબ ટાવર નંબર 1 પાસે 6 કામદારોને લઈ જતી બોગીનો વાયર તૂટી ગયો હતો અને આખી બોગી નીચે પડી ગઈ હતી. તેમાં રહેલા 6 કામદારોના મોત થયા છે. બધા મૃતદેહ મળી આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. કલેક્ટરે એક સમિતિની રચના કરી છે અને પ્રાથમિક રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવશે. તેના આધારે આગળના પગલાં લેવામાં આવશે.
ગોધરા-પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રવિન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ સ્થાનિક, બે કાશ્મીરના અને એક રાજસ્થાનના નિવાસી છે. અમે ઘટનાના ચોક્કસ કારણની તપાસ કરી રહ્યા છીએ. પોલીસે મૃતકની ઓળખ કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજસ્થાનના ગીતાવાસમાં રહેતા અન્નાજી ઉર્ફે ભૈરવલાલ રતિલાલ જાટ, જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં રહેતા મોહમ્મદ અનવર મહનદ શરીફખાન અને બળવંતસિંહ ધનીરામ બંને રોપ-વે ઓપરેટર તરીકે કામ કરતા હતા, દિલીપસિંહ નરવતસિંહ કોળી મંદિરની સુરક્ષામાં તૈનાત હતા, હિતેશભાઈ હસમુખભાઈ બારીયા મંદિરના ફૂડ સર્વિસ સેન્ટરમાં હતા અને સુરેશભાઈ રાયજીભાઈ કોળી ફૂલના વેપારી હતા.
પાવાગઢ મંદિર લગભગ 800 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. મંદિર સુધી પહોંચવા માટે લોકો 2000 પગથિયાં ચઢે છે અથવા રોપ વે નો ઉપયોગ કરે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે સવારથી જ સામાન્ય લોકો માટે રોપ-વે બંધ હતો, પરંતુ માલ રોપ-વેનો ઉપયોગ બાંધકામના કામ માટે કરવામાં આવ્યો હતો.
1986માં નિર્મિત પાવાગઢ રોપ-વે યાત્રાળુઓને બેઝ સ્ટેશનથી કાલિકા માતાના મંદિર સુધી લઇ જાય છે. પાવાગઢ રોપ-વે પર આ પહેલા અકસ્માત થઈ ચૂક્યો છે. જાન્યુઆરી 2003માં એક દોરડું તૂટી ગયું હતું, જેના કારણે ત્રણ કેબલ કાર પડી હતી. જેમાં સાત લોકોના મોત થયા હતા અને 24 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - pavagadh ropeway collapses