
21મી સદીની આધુનિકતામાં સાઈબર ક્રાઈમ (cybercrime) ખુબ જ વધી રહ્યો છે. ગુજરાત(Gujarat)ની જ વાત કરવામાં આવે તો, દર સાડા સાતમી (7.5) મીનીટે એક સાયબર ક્રાઈમ થાય છે. 1 જાન્યુઆરી 2020થી 15 મે 2023ના અંદાજીત સાડા ત્રણ વર્ષના સમયગાળામાં સાઈબર ક્રાઈમનો શિકાર બન્યા હોવાની 1.59 લાખ ફરિયાદો ગુજરાતીઓએ કરી છે તેનો અર્થ એ થાય છે કે દર મહિને 5585 અને દરરોજ 186 ગુજરાતીઓ સાઈબર ઠગાઈનો શિકાર બને છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાકીય રિપોર્ટ પ્રમાણે સાડા ત્રણ વર્ષના સમયગાળામાં દેશના 9 રાજયોમાં સાઈબર ફ્રોડની એક લાખથી વધુ ફરિયાદો થઈ હતી તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. માહિતી અધિકાર કાયદા હેઠળની અરજીમાં ક્રાઈમ બ્યુરો દ્વારા આ આંકડાકીય રિપોર્ટ આપવામાં આવ્યો હતો.
સાઈબર ફ્રોડ (Cyber Fraud) ની કેટલી ફરિયાદોમાં પોલીસે એફઆઈઆર દાખલ કરી તે વિશેની માહિતી માંગવામાં આવી હતી તેના આધારે એવો ખુલાસો થયો છે કે દેશભરમાં સાઈબર ફ્રોડની 22.57 લાખ ફરિયાદોમાંથી માત્ર 43022 અર્થાત 1.9 ટકામાં જ પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી માત્ર 0.8 ટકા સાઈબર ફરિયાદોમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 1.59 લાખ અરજીમાંથી માત્ર 1233માં એફઆઈઆર થઈ હતી. અમદાવાદની ખાનગી સાઈબર સિકયુરીટી કંપનીના સીઈઓ સન્ની વાઘેલાએ કહ્યું કે કોવિડ કાળ બાદ સાઈબર ક્રાઈમનું ચિત્ર જ બદલાઈ ગયું છે. લોકડાઉન તથા ત્યારબાદના સમયગાળામાં ડીજીટલ વ્યવહારોમાં ઘણો મોટો વધારો થયો છે. ટેકનોલોજીનું અલ્પ ઓછુ જ્ઞાન ધરાવતા લોકોને શિકાર બનાવવા કૌભાંડીયાઓ- હેકર્સોને મોટી તક મળી ગઈ છે. બેંક ખાતાની માહિતી મેળવતા બોગસ કોલથી માંડીને સેકસટોર્શનનું પ્રમાણ વધ્યુ છે.
2021-22માં સાઈબરફ્રોડમાં મોટો વધારો માલુમ પડયો છે. સેંકડો કિસ્સામાં તો ફરિયાદો પણ થતી નથી. રીપોર્ટમાં એવું પણ સુચવાય છે કે 3115 ફરિયાદો સેકસ-ચીટીંગની હતી અને તેમાંથી માત્ર 6 જ એફઆઈઆર થઈ છે.અમદાવાદ પોલીસના સાઈબર વિભાગના ડીસીપી અજીત રજૈનના કહેવા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં સાઈબર ફ્રોડની ફરિયાદો તથા એફઆઈઆર બન્નેમાં મોટો વધારો થયો છે. સાઈબરફ્રોડ વિશે જાગૃતિ વધી હોવાના કારણોસર પણ ફરિયાદમાં વધારો દેખાય રહ્યો છે. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે સાઈબરફ્રોડમાં ગુમાવેલી રકમ નાની હોય અને વિદેશી ગેંગનો શિકાર હોય તો એફઆઈઆર દાખલ કરવામાં આવતી નથી. જો કે, ફરિયાદ અરજીમાં પણ તપાસ થાય જ છે. એક જ ગેંગને સાંકળતી તમામ અરજીની તપાસ એક સાથે થાય છે.
એવામાં લોકો ટેકનોલોજીના ઉપયોગ સાથે તેનું જ્ઞાન પણ મેળવે તે હિતાવહ છે. સાથે જ આવા ફ્રોડનો શિકાર થાય તો પોલીસ ફરિયાદ ચોક્કસ કરાવે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ આવા માર્ગે ફસાવાથી રોકાઈ શકે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Crime News