
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની સ્થિતિમાં ગુજરાત સરકારે સાવચેતીના પગલાં સ્વરૂપે તમામ સરકારી અધિકારી-કર્મચારીઓની રજાઓ રદ કરી છે. તેમજ 15 તારીખ સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
India-Pak War Alert Gujarat Goverment : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની રજા રદ કરી છે. બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે. અધિકારી- કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક(હેડ ક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાતના પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી ગામોમાં સુરક્ષાદળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અગાઉ, સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ પણ જાહેર કરાયો હતો. આ સાથે, ભુજ એરપોર્ટને પણ સેનાને હવાલે કરી દેવામાં આવ્યું છે, જે હવાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ પગલું છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ ફેલાવવા અને સેનાનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરનારા તત્વો સામે રાજ્ય સરકાર કડક બની છે. આવા ચાર લોકો સામે અત્યાર સુધીમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં તમામ જિલ્લા પોલીસ વડાઓને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. તેમણે નાગરિકોને પણ કોઈ અફવા કે ફેક મેસેજ પર ધ્યાન ન આપવા અને સાચી માહિતી માટે જિલ્લા તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી છે. ગૃહ વિભાગ આવી પોસ્ટ કરનાર પર બાજ નજર રાખી રહ્યું છે. આર્મી સૈન્યની મૂવમેન્ટ અંગે કોઈ પણ પ્રકારની માહિતી શેર કરનાર કે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરનાર સામે પણ કાર્યવાહી કરવા આદેશ અપાયા છે.
સાવચેતીના ભાગરૂપે, આગામી 15મે સુધી લગ્ન સહિતના પ્રસંગોમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે લોકોને સહકાર આપવા માટે અપીલ કરી છે અને નિયમ તોડનાર સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , India Armed Forces Operation Sindoor, Indian Airforce Air Strike on Pakistan - Operation Sindoor - India-Pak War Alert Gujarat Goverment :