
હર્ષ સંઘવીએ કહ્યું કે, આદિવાસી ભાઈ-બહેનોને કોઈ ફોસલાવી, કોઈ પણ પ્રકારે ખોટે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરનાર લોકો પર ગુજરાત સરકાર ગંભીરતાપૂર્વક પગલાં લે છે અને લેશે.
Harsh Sanghavi To Morari Bapu: આજે તાપીના સોનગઢ ખાતે મોરારિ બાપુની માનસ રામ કથાનો છઠ્ઠો દિવસ છે. જેમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા. જે દરમિયાન તેમણે આદિવાસી ભાઇઓ-બહેનોને ભોળવીને ધર્મ પરિવર્તન કરનારાઓને ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે, જો આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવશે તો કે ખોટી રીતે ફસાવવામાં આવશે તો કાયદાના સંકજામાંથી છૂટવાની બારી નહીં બચે એ પ્રકારે પગલા ભરાશે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બાપુ આપને આશ્વસ્ત કરવા માગું છું કે મારા આ આદિવાસી ભાઈ-બહેનો જે ભોલા ભાલા ભગવાનનું બીજું સ્વરૂપ છે. એવા મારા આદિવાસી ભાઈ-બહેનોને કોઈ ફોસલાવી, કોઈ પણ પ્રકારે ખોટે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરનાર લોકો પર ગુજરાત સરકાર ગંભીરતાપૂર્વક પગલાં લે છે અને લેશે.
આપણો આદિવાસી વિસ્તાર એટલે સંસ્કૃતિ અને પ્રભુ ભક્તિ જોડે જોડાયેલો વિસ્તાર છે, પરંતુ આવા ભોલા ભાલા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ પણ પ્રકારે, કોઈ પણ ગામમાં જો ખોટી રીતે ફસાવવામાં આવશે, તો સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે તે પ્રકારના પગલાં ભરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, બાપુ મને જાણીને હું ખૂબ ધન્ય ધન્ય અનુભવી રહ્યો છું કે આપે આ આપણા આદિવાસી વિસ્તારમાં દર વર્ષે એક કથા આપવાનો જે નિર્ણય લીધો છે. એ અમારા સૌ માટે ખૂબ ખૂબ ખૂબ મોટી વાત છે. તે બદલ બી હું આપનો આભાર માનું છું અને આપને ફરી એકવાર મારા સૌ આ નગરજનો વતી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું બાપુ બાપુ અમે આપણા માટે આ રામ રાજ્યના રંગો ખુશીના એ બધી જ જગ્યા પર બધા જ ઘરોમાં પહોંચી શકે તે માટે આ હોલીનો રંગ લાવ્યા છે એ આપને અર્પણ કરવા માંગું છું.
હર્ષ સંઘવીના નિવેદન બાદ મોરારિ બાપુ દ્વારા એક પત્ર વાંચવામાં આવ્યો હતો. જેમાં ધર્મ પરિવર્તન અંગે વાત કરવામાં આવી હતી. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, સેલવાસ-દમણમાં મફતમાં 1થી 12 ધોરણ સુધી ભણાવવા માટે લઇ જવામાં આવે છે અને એ દરમિયાન ખ્રિસ્તી બનાવી દેવામાં આવે છે. પત્રમાં બાપુને વિનંતી કરવામાં આવી હતી કે, ઉદ્યોગ જગતને પ્રાર્થના કરીને આ વિસ્તારમાં વધારેમાં વધારે શાળાઓ સ્થપાય તો ગરીબ લોકો ફ્રીમાં શિક્ષણ મેળવી શકે. જેના જવાબમાં મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, તેઓ ઉદ્યોગ જગતના લોકોને વાત કરશે અને આ વિસ્તારમાં જ્યાં પણ નવી શાળા બનશે એ પ્રત્યેક શાળામાં 1 લાખ રૂપિયા આપશે.