
બાળકનો જન્મ દરેક પરિવાર માટે આનંદનો ઉત્સવ હોય છે. પરંતુ આ ઉત્સાહ અને આનંદ આજના સમયમાં વધારે સમય રહેતો નથી. બાળક થોડા મહિનાનું થાય અને પ્રથમ બર્થડે ઉજવે કે ન ઉજવે ત્યાં તો પરિવારના તમામ સભ્યોના મોઢા પર ચિંતા પ્રસરી જાય છે. જે બાળકે હજૂ બાળપણમાં પ્રવેશ પણ નથી કર્યો એવા નિર્દોષ બાળકનું ભવિષ્ય નક્કી થવા લાગે છે. બાળકને ક્યાં ભણાવિશું ? કઈં નર્સરી સ્કુલમાં દાખલ કરીશું ? ક્યાં કેટલી ફી છે? અને સૌથી મોટી જટિલ સમસ્યા પરિવાર સમક્ષ આવે છે કે બાળકને ક્યા માધ્યમમાં દાખલ કરીશું ? સામાન્ય રીતે માધ્યમના માપદંડ તરીકે લોકો પોતાની પડોશના અને કુટુંબના અન્ય બાળકો સાથે તુલના કરે છે. મહદ્દઅંશે ઉત્તર મળે છે, ‘અંગ્રેજી માધ્યમ’. કુમળા છોડા જેવા ભૂલકાના અભ્યાસના માધ્યમની પસંદગી માટે કુટુંબમાં વાદ-વિવાદ, ચર્ચા વિચારણાનો દૌર શરૂ થાય છે. અને ક્યારેક કોઈ નાના-મોટા શિક્ષણક્ષેત્રના જાણકારની સલાહ લેવામાં આવે અને અંતે ખીલુંખીલું કરતા માસુમ બાળકને મુંઝવી નાખનારો નિર્ણય આવે અંગ્રેજી મિડિયમ વાળું પ્લે હાઉસ, નર્સરી સ્કુલ, પ્રાઈમરી સ્કૂલ અને હાઈસ્કૂલ.
►બાળક માટે કંઈ ભાષામાં શિક્ષણ વધારે જરૂરી ?
ઘરની તથા સ્થાનિક આસપાસની બોલચાલની ભાષા ભલેને ગુજરાતી હોય પરંતુ બાળકને ભણાવીશું તો અંગ્રેજી માધ્યમમાં આવી વિચારધારા બાળકનું ભવિષ્ય જ્યારે નક્કી કરે છે. ત્યારે ‘બાળક ન ઘરનો કે ન ઘાટનો’ તેવો ઘાટ ઘડાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, પ્રકારની માનસિકતા ધરાવતા વાલીઓ પોતે અંગ્રેજી જાણતા નથી. તેઓએ અંગ્રેજીમાં કોઈ પુસ્તક કે લેખ પણ વાંચ્યો નથી. તેઓ રાજ્ય બહાર કે દેશ બહાર ક્યારેય વધુ સમય રહ્યા નથી. તેમના બાળકોને તે પોતે અંગ્રેજીમાં ભણાવી શકતા નથી. એવામાં બાળક સ્થાનિક લોકો સાથે તો છોડો પોતાના પરિવારજનો સાથે માતૃભાષામાં કેવી રીતે સંવાદ સાંધી શકશે? બાળકની સમસ્યા મા-બાપ સમજી કેવી રીતે સમજી શકશે અને સમજશે તો બાળકને શું તે અંગ્રેજી માધ્યમમાં સમજાવી શકશે ? વાલીઓએ એક વાત વિચારવા જેવી છે કે ફક્ત શિક્ષણનું માધ્યમ બદલવાથી શિક્ષણની ગુણવત્તા કેવી રીતે સુધરી જાય? જો ફક્ત અંગ્રેજી મધ્યમથી શિક્ષણની ગુણવત્તા સુધારી જતી હોય તો વિશ્વના બધા ધનિક દેશો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવતા હોત. શિક્ષણની ગુણવત્તા સુધારવાનું કયા દેશને ન ગમે? અરે જાપાન, જર્મની પાસે તો એટલા પૈસા છે કે તેઓ ઇંગ્લેંડ અને અમેરિકાથી શિક્ષકો આયાત કરી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલી શકે છે. પરંતુ આવું ગાંડપણ કોઈ કરતું નથી.
►ઉત્તમ અંગ્રેજી-માધ્યમ ગુજરાતી
વ્યવહારૂ વિશ્વ ભાષા અંગ્રેજી ઉત્તમ છે અને તેને અવગણવી પણ ન જોઈએ. પરંતુ માતૃભાષાના ભોગે ક્યારેય નહી.વિશ્વના વિજ્ઞાન ટેક્નોલોજી અને વ્યાપાર વાણિજ્યમાં આગળ વધેલા તમામ દેશો જેવા કે, જાપાન, જર્મની, ઈટલી, ફ્રાંસ, રશિયા, ચીન વગેરેમાં માતૃભાષા દ્વારા જ શિક્ષણ આપવામાં આવે છે. બાલમાનશાસ્ત્ર અને શૈક્ષણિક મનોવિજ્ઞાન પણ બાળકના અભ્યાસના માધ્યમ તરીકે તરફેણ કરે છે. ખરેખર તો ભાષાએ જાણકારી મેળવવાનું માધ્યમ છે. અમેરિકામાં ખેડૂત પણ અંગ્રેજીમાં બોલે છે. ઈઝરાઈલમાં પણ શિક્ષણ હિબરૂ ભાષામાં આપવામાં આવે છે. પરંતુ ભારતમાં માતૃભાષાનો ઓછાયો રાખીને વિશ્વ ભાષાને વધારે મહત્વ અપાઈ રહ્યું છે.
►શા માટે અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધ્યો ?
પાંચ-છ દાયકા પૂર્વે અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરો સિવાય ક્યાંય અંગ્રેજી માધ્યમની શાળાઓ ન હતી. અને જે ગતી તે ગણાગાંઠી. તે સમયે ગુજરાતી માધ્યમની શાળાઓમાં ભણીને વિદ્યાર્થીઓ સારી પ્રગતી કરી હતી. તેમને અંગ્રેજી માધ્યમમાં ન ભણવાનો વસવસો ન હતો. તે વખતે મિલ માલિકના અને જેમને વિદેશ સાથે કોઈ નાતો હોય તેવા સુખી પરિવારોના બાળકો જ અંગ્રેજી માધ્યમમાં ભણતાં. કારણ કે તેમને વિદેશ જવાનું હોવાથી અંગ્રેજી કામ લાગતું. જો કે તે વખતે ગુજરાતી માધ્યમમાં ભણીને ઈજનેર, ડોક્ટર બનીને વિદેશ ગયેલા યુવાનો ક્યાંય પાછા પડ્યા હોય તેવું જોવા કે સાંભળવા મળ્યું નથી. એકવીસમી સદીના બીજા દાયકામાં ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની શાળાઓનો રાફડો ફાટ્યો. સોસાયટીના નાકે નાકે, શોપીંગ સેન્ટરના ભોંયરામાં તો ક્યાંક ખેતરોમાં, જ્યાં જુઓ ત્યાં અંગ્રેજી માધ્યમની શાળાઓનાં બોર્ડ જોવા મળે. જે માત્ર શિક્ષણનું વ્યાપારીકરણ છે.
►ભણતર માટે માતૃભાષા જરૂરી
ગુજરાતનાં મોટા શહેરોમાં અત્યારે એવો માહોલ બની ગયો છે કે ગુજરાતી મધ્યમની ટોચની શાળાઓમાં પણ વાલીઓ બાળકોને મૂકવા તૈયાર નથી. અહીં એવી શાળાઓની વાત છે જેઓએ ભૂતકાળમાં બહુ ઊંચું પરિણામ આપ્યું હોય, મોટી સંખ્યામાં જુદા જુદા ક્ષેત્રની હસ્તીઓ પેદા કરી હોય અને દર વર્ષે મોટી સંખ્યામાં ડોક્ટર-એંજીનિયર પેદા કર્યા હોય. આ શાળાઓ પાસે પોતાના વિષયમાં નિષ્ણાત અનુભવી શિક્ષકો હોય છે. જેની સામે વાલીઓ સાવ નવી બનેલી અને કોઈપણ જાતના ટ્રેક રેકોર્ડ વગરની અંગેજી માધ્યમની શાળાઓમાં ઊંચી ફી અને ડોનેશન આપી પ્રવેશ માટે લાઇન લગાવી ઊભા રહી જાય છે. આવી શાળાઓ મોટે ભાગે રાજકારણીઓ અને સામાન્ય ઉદ્યોગપતિઓ દ્વારા ફક્ત નફાના ધ્યેય સાથે શરૂ કરવામાં આવી હોય છે. મોટા ભાગની આવી શાળાઓમાં શિક્ષકો પણ સારું અંગ્રેજી બોલી શકતા નથી અને તેઓની ભૂમિકા ફક્ત પાઠ્યપુસ્તકના વાંચક તરીકેની રહી જાય છે. આવી શાળાઓમાં ભણતા બાળકો વિષયોને સમજતા નથી. (કારણ કે અહી તેમણે સમજાવવા વાળું કોઈ નથી) પણ ગોખી નાખે છે. 21મી સદીના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના યુગમાં ગોખણપટ્ટી કયા સુધી ચાલશે?
►નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યાં માધ્યમમાં શિક્ષણ સુચવે છે ?
ભલે આપણે મોડા મોડ પણ દેશમાં માતૃભાષામાં શિક્ષણની વાતને સરકારે સ્વિકારી તો ખરા. આઝાદ ભારતની ત્રીજી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સમગ્ર દેશમાં નિયમ લાગુ પડ્યું કે, દેશના ભવિષ્ય સમા બાળકોને 11 વર્ષ સુધી માતૃભાષામાં શિક્ષણ ફરજીયાત આપવું પડશે. એટલે કે શરૂઆતના 6 વર્ષ સુધી બાળક પ્રિસ્કૂલ માતૃભાષામાં ભણશે. સાથે જ ધોરણ 5 સુધી તેને ફરજીયાત પોતાની માતૃભાષામાં શિક્ષણ લેવું પડશે. જે દરેક શાળા માટે લાગુ પડશે. આવુ ન કરનાર શાળા સામે સરકાર એક્શન લેશે. તેવો કાયદો ઘડાયો છે. પરંતુ આ શિક્ષણ નીતિ (આ લેખ લખાય છે ત્યાં સુધી) તમામ રાજ્યોએ લાગુ પાડી નથી. એવામાં સરકારની આ નીતિ પણ જો કાગળ પર જ રહી જશે તો બાળકનું ભવિષ્ય અંધકારમય થતા કોઈ નહીં રોકી શકે.
►આ પ્રશ્નોના જવાબ પરથી નક્કી કરો તમારા બાળકના શિક્ષણનું માધ્યમ !
શું તમારા પરિવારમાં તમામ લોકો અંગ્રેજીમાં સંવાદ કરે છે ?
શું તમે તમારા બાળકને અંગ્રેજી માધ્યમમાં સમજાવી શકવા સક્ષમ છો ?
શું તમે સોસાયટીના અને પરિવારના અન્ય બાળકોને જોઈ નિર્ણય લઈ રહ્યા છો ?
શું ધોરણ-8 સુધી બાળકને અંગ્રેજી માધ્યમમાં સંવાદ સાંધવાની જરૂર પડવાની છે ?
શું તમારી આસપાસ સારા રેકોર્ડ વાળી અને ઉચ્ચ ગુણવત્તાના શિક્ષકો વાળી અંગ્રેજી માધ્યમની શાળા છે ?
આ સવાલના જવાબ આપશો એટલે તમને તમારા બાળકને ક્યાં માધ્યમમાં ભણવા બેસાડવો તેનો નિર્ણય આસાનીથી કરી શકશો.
►સમગ્ર લેખનો નિષ્કર્ષ એટલો જ છે કે, બાળક કોઈપણ માધ્યમમાં ભણે તે શિક્ષણ મેળવી તેનો સદ્દઉપયોગ કરતો થવો જોઈએ. તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા કેળવે તે જ મહત્વનું હોય છે. કોઈપણ ભાષા ગમે તે ઉંમરે સારી રીતે શીખી શકાય છે. ભૂતકાળમાં ગાંધીજીથી લઈને અનેક લોકો વિદેશ જઈને ત્યાંની ભાષા ખુબ સારી રીતે શીખી શક્યા હતા. માટે અંગ્રેજી જ્ઞાન મેળવવા માટે જરૂરી ખરૂ પરંતુ પાયાનું શિક્ષણ તો માતૃભાષામાં મેળવે તે વધુ હિતાવહ છે.
આજના સમાચાર, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, TV News, News, Gujarati News Channel, gujju News Channel, Top Headlines