
મોબાઈલ (Mobile) વગર આજે કોઈને પળભર પણ ચાલતું નથી. લોકોને એક મિનિટ પણ નવરાશની મળે તો તરત મોબાઈલનો ઉપયોગ કરવા લાગે છે. વાહન ચલાવતા, રસોઈ બનાવતા, વાંચત-લખતા તો લોકો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ તે વચ્ચે હવે લોકો ટોઈલેટ (Toilet) માં પણ મોબાઈલ લઈને જાય છે. પરંતુ ટોઈલેટમાં મોબાઈલ વાપરવો (use) ગંભીર બિમારીને નોતરી શકે છે. ટોઈલેટમાં આરામથી બેસીને લાંબો સમય સુધી મોબાઈલ વાપરવો આજે સૌને ગમે છે. પરંતુ ટોઈલેટમાં મોબાઈલ લઈને વધારે વખત બેસવું જોખમી તો છે જ પરંતુ અવનવી ગંભીર બિમારી પણ તમને થઈ શકે છે.
►ટોઈલેટમાં મોબાઈલ લઈ જશો તો થશે આ ગંભીર બિમારી
ટોઇલેટમાં મોબાઇલ લઈ જવાથી લોકો લાંબો સમય સુધી અંદર બેસી રહેતા હોય છે. ટોઇલેટના કમોડ પર લાંબો સમય સુધી બેસી રહેવાથી એનલ સ્ફીન્કટર પર પ્રેશર આવે છે. ઘણી વખત આવી આદતથી કબજિયાત જેવા રોગો દર્દીઓની સમસ્યા વધારી શકે છે. ઘણા લોકોને પાઈલ્સ ફિશર કે ફિશ્યુલા એટલે કે હરસ, મસા અને ભગંદર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ખાસ કરીને જે લોકો મોબાઈલ લઈને ટોયલેટ સીટ પર બેસે છે, તે લોકોમાં કબજિયાતની સમસ્યા વધુ રહે છે. જેના કારણે યુરીન ઇન્ફેક્શન (UTI) થવાની શક્યતા પણ વધી જાય છે. વૃદ્ધોની સાથે સાથે યુવાનોમાં પણ પાઇલ્સની સમસ્યા હવે સામાન્ય બનતી જાય છે. વાસ્તવમાં આવું એટલા માટે થાય છે. કારણ કે, જ્યારે તમે ટોયલેટમાં મોબાઈલ લઈને જાઓ છો, ત્યારે તમે કોમોડ પર લાંબો સમય વિતાવો છો અને તમને કેટલો સમય થયો તેની પણ ખબર નથી હોતી. અને તમે મોબાઈલ ઓપરેટ કરવામાં મશગુલ થઈ જાવ છો.
►મોબાઈલ (mobile) પર ચોટી જાય છે બેક્ટેરિયા (bacteria)
ટોઈલેટમાં મોબાઈલ લઈ ગયા બાદ જે હાથથી ટોયલેટ સીટ કે ટોયલેટ પેપરનો ઉપયોગ કર્યો હોય તે જ હાથથી મોબાઈલને પકડવાથી અનેક પ્રકારના બક્ટેરિયા મોબાઈલ ફોનની સ્ક્રીન પર ચોંટી જાય છે. અને આ બેક્ટેરિયાયુક્ત ફોન લઈને તમે બેડરૂમ, રસોડા કે ડાઇનિંગ હોલમાં જશો એટલે મોબાઈલના માધ્યમથી તમે આખા ઘરમાં, બેડ અને ડાઇનિંગ ટેબલ સુધી આ બેક્ટેરિયા આસાનીથી પહોંચાડશો. તેમજ મોબાઈલની સ્ક્રિનને વારંવાર ટચ કરીને તે હાથથી જ જયારે તમે જમો છો એટલે તે જ કીટાણું તમારા પેટ સુધી પહોંચી જશે. અને જેનાથી તમને ઝાડાં, યુરીન ઇન્ફેક્શન, પેટ અને પાચન સાથે સંકળાયેલી અનેક બીમારીઓ તમારા શરીરમાં ઘર બનાવી લે છે.
►ટોઈલેટમાં બેસીને મોબાઈલ પર શું જોવે છે લોકો?
વાસ્તવમાં કેટલાક લોકો ટોયલેટમાં કોમોડ પર બેસીને મોબાઈલમાં સમાચાર વાંચે છે. સોશિયલ મીડિયા સાઇટ્સ ચલાવે છે, રિલ્સ વીડિયો જુઓ છે અને ચેટિંગ પણ કરતા હોય છે. ચાર દિવાલો વચ્ચે કોઈ રોકટોક વગર કોઈ જોવા વાળું ન હોવાથી કેટલાક લોકો આ સમયે પોર્ન સાઈટ પણ વિઝિટ કરતા હોય છે. અને વધારે સમય સુધી ટોઈલેટમાં બેસી રહેતા હોય છે. કિટાણુંથી ભરપુર ટોઈલેટમાં જેટલો વધારે સમય વિતાવશો એટલો જ તમારા સ્વાસ્થ્ય માટે જોખમીરૂપ છે.
►ખતરનાક છે ટોઇલેટમાં મોબાઈલ ચલાવવો?
એક સર્વે પ્રમાણે ૯૦ માંથી ૫૩% લોકો એવા છે, જે ટોઈલેટમાં ત્યાં સુધી ફોન યુઝ કરે છે જ્યાં સુધી તેમના પગમાં ખાલી ચડી જતી નથી એટલે કે જ્યારે તમે ટોયલેટમાં ફોન લઈને જાઓ છો તો વધારે સમય પસાર કરો છો. આ કારણે તમારાં Rectum એટલે કે મલાશ પર બિનજરૂરી જોર પડે છે અને તે જ પછી પાઈલ્સ વગેરેનું કારણ બને છે એટલા માટે ટોયલેટમાં જાઓ ત્યારે ફોન લઈને ન જાઓ.
►મોબાઈલ પર હોય છે આટલા બેક્ટેરિયા
આપણે મોબાઈલ ફોનનો ગમે તે સ્થળે અને ગમે તેવા હાથે ઉપયોગ કરતા હોઈએ છીએ. તમને જણાવી દઈએ કે, તમારા સ્માર્ટફોન પર એક ટોઈલેટ હેન્ડલથી પણ વધારે કિટાણું હોય છે. ટોઈલેટ સીટની સાપેક્ષે તમારા ફોન પર 18 ગણા વધારે બેક્ટેરિયા રહેલા હોય છે. જે તમને અવનવી બિમારીને નોતરી તમારૂ સ્વાસ્થય જોખમમાં મુકી શકે છે.
►હેમોરહોઇડ્સનું કારણ શું છે?
તમે ફોન લઇને કેટલો સમય કમોડ પર બેસી રહો છો એ કારણથી હેમરોઇડ્સ એટલે કે પાઇલ્સ અથવા મસા થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. તમે જેટલો વધુ સમય ટોઇલેટમાં ફોન વાપરશો એટલો વધુ સમય ટોઇલેટ સીટ પર બેસી રહેશો, જેનાથી ગુદાના સ્નાયુઓ અને નસો પર પ્રેશર વધવા લાગે છે અને પાઇલ્સ થવાનું જોખમ વધી જશે. જેથી નિષ્ણાતોનાં મતે જ્યારે પણ ટોઈલેટમાં જાવ ત્યારે મોબાઈલ સાથે ન લઈ જાવ.