
રાજસ્થાનના ડુંગરપુરથી સારવાર માટે અમદાવાદ આવેલા ૨ મહિનાના બાળકનું HMPV સેમ્પલ પોઝિટિવ જણાયું : હાલ બાળક સારવાર હેઠળ અને સંપૂર્ણપણે સ્ટેબલ છે. જેના પર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે..
HMPV Virus Case In Gujarat : ચીનમાં કહેર વર્તાવતા HMPV વાયરસનો પગપેસારો ગુજરાતમાં પણ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદમાં બે મહિનાના એક બાળકમાં આ પ્રકારના વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. હાલ બાળકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. આ અંગેની જાણ થતાં અમદાવાદ મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તેમજ રાજ્ય સરકારે પણ તેની ગંભીર નોંધ લઈને કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે આ વાયરસના કર્ણાટકમાં બે કેસ નોંધાઈ ચુક્યા છે. જેના લીધે દેશવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.
બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાનું બાળક અને બીજી ત્રણ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ અહેવાલ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી. નોંધનીય છે કે HMPV સામાન્ય રીતે બાળકોમાં જ જોવા મળે છે. HMPV તમામ ફ્લૂ નમૂનાઓમાં 0.7 ટકા હિસ્સો ધરાવે છે. આ વાયરસનો સ્ટ્રેન શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
HMPV વાયરસમાં તકેદારી રાખવી પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી તેવી હૈયાધારણ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપી છે. એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ બાબતે સતર્ક છે અને તકેદારીના જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તા. ૪ જાન્યુઆરી ના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MoH, સિવિલ સર્જન, SDH સુપ્રીન્ટેન્ડન્ટને આ વાઇરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં HMPV વાઈરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે. સામાન્ય નાગરિકોએ હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV)થી ગભરાવવાની જરૂર નથી, પરંતુ વાઇરસના લક્ષણો સમજીને તેના ચેપ સાથે સંબંધિત બાબતો જાણવી અને અપનાવવી જરૂરી છે.
• મેટાન્યુમોવાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો
– મેટાન્યુમોવાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.
– વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે.
– આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.
• મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું (Do’s) ?
– જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
– નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
– ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
– તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
– વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
– પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
– બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
– શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
• મેટાન્યુમોવાઈરસ (HMPV)ના ચેપની સ્થિતિમાં શું ના કરવું (Don’ts):
– આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ.
– ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
– જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
રિપોર્ટ અનુસાર, HMPV ફ્લૂ જેવા લક્ષણો દર્શાવે છે. તે કોવિડ-19 જેવી જ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, ચીનની ડિસિઝ કંન્ટ્રોલ ઓથોરિટીએ શુક્રવારે કહ્યું કે તે અજાણ્યા પ્રકારના ન્યૂમોનિયા માટે સર્વેલન્સ સિસ્ટમ ચલાવી રહ્યું છે. શિયાળામાં શ્વાસ સંબંધી રોગોમાં વધારો થવાની સંભાવના છે. તેની સાથે વ્યવહાર કરવા માટે એક ખાસ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીની અધિકારીઓ આ વાયરસથી ચિંતિત છે. લોકોને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી રહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , HMPV Virus Case In Gujarat : ચીનમાં કહેર વર્તાવતા HMPV વાયરસ - First Case Of Chinese Virus HMPV Reported In Gujarat Two Month Old Baby May Be Positive - હ્યુમનમેટાન્યુમોવાઈરસના લક્ષણો