
જીવનમાં આટલી વાતો સમજવી છે ખુબ જરૂરી, જીવન થઈ જશે ખુબ જ આસાન...
આધુનિક યુગમાં નાની સમસ્યા પણ મોટુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે જેનાથી દર ૧૦માંથી ૭ વ્યક્તિઓ પરેશાન રહે છે. પોતાના જીવન પર હંમેશા પ્રશ્નો કરતા હોય છે. પરંતુ આ સવાલ તેમણે જાતે જ પોતાની લાઈફમાં ઉભા કર્યા હોય છે. આ પ્રશ્નો તે પોતે જાતે જ ઉકલી શકે છે. માત્ર તેને સમજવની જરૂર છે. તો ચાલો સમજીએ જીવનને આસાન બનાવતા મુદ્દા જે જીવનમાં ઉતારવા ખુબ જ જરૂરી છે.
1) પોર્નોગ્રાફીથી દૂર રહો- પોર્નોગ્રાફીને કારણે તમારી માનસિકતા એક જ ક્ષણમાં બદલાઈ જતી હોય છે. તમે ખરાબ કામ કરવા પણ ઈચ્છો છો. તદુપરાંત, તમે કલ્પનામાં ઘણી વસ્તુઓ વિશે વિચારશો, જે વાસ્તવિક જીવનમાં શક્ય નથી. જેનાથી તમારા રિલેશેનમાં મોટી સમસ્યા પણ ઉભી થઈ શકે છે. પુરૂષ કે સ્ત્રી જ્યારે ક્લ્પનાની દુનિયાની આકાંક્ષા પોતાના પાર્ટનર પાસે રાખવા માંડે ત્યારે અનર્થ થવાની શરૂઆત થાય છે. માટે પોર્નોગ્રાફીથી દુર રહેવું ખુબ જ જરૂરી છે.
2) સારા મિત્રો પસંદ કરો- એક સડેલુ ફળ આખી ટોપલીના ફળને બગાડે છે. માટે સારા મિત્રોની પસંદગી ખુબ જ જરૂરી છે. જે તમને સારું આઉટપુટ આપશે. અને જો તમે ખરાબ મિત્ર પસંદ કરશો તો તે તમને ખરાબ વિચારો આપશે. તમે મિત્રની આ ક્રિયાઓને સમજી શકતા નથી. પરંતુ ધીમે ધીમે તમને વધુ સારી કે ખરાબ જીંદગી તરફ લઈ જવામાં તેનો મોટો ફાળો રહે છે.
3) લાગણીઓને નિયંત્રણમાં રાખો- ભાવુક થઈને તમારું જીવન બરબાદ ન કરો. જો તમે લાગણીમાં આવીને કંઈક કરશો તો તમને ક્ષણિક સુખ મળશે પણ તમે જીવનભર રડશો. માટે જે ભવિષ્યમાં સારૂ હોય તેને અનુસરીને નિર્ણય લેવો નહીં કે લાગણીમાં આવીને.
4)બધાને ખુશ કરવા તમારૂ કામ નથી- દુનિયામાં દરેકને ખુશ કરવાની માનસિકતા ક્યારેય ન રાખો. જ્યાં ઘણા લોકો ભગવાન વિરુદ્ધ બોલી શકે છે, તમે અને હું ફક્ત સામાન્ય લોકો છીએ. માટે અન્યને ખુશ કરવાની ટેવ કાઢી નાખવી. પોતાની જાતને ખુશ રાખવા માટે તત્પર રહો.
5) જેમણે તમને મુશ્કેલ સમયમાં મદદ કરી અને જેમણે તમને છોડી દીધા તેમને ક્યારેય ભૂલશો નહીં. આ એવા લોકો છે જેઓને તમે જિંદગીભર યાદ રાખશો. તમે પણ હંમેશા જરૂરીયાતમંદ માટે મદદની ભાવના રાખો.
6)વ્યસ્નથી દુર રહો - વ્યસન ધીમે ધીમે લોકોને વિનાશ તરફ લઈ જાય છે. વ્યસ્ન પોતાના માટે જ હાનીકારક સાબિત નથી થતો પરંતુ લાંબાગાળે પરિવાર અને સ્નેહીજનો માટે પણ એટલો જ તકલીફદાયક હોય છે.
7) વળતરની આશાએ દાન-મદદ ન કરવી- વળતરની આશા સાથે ધાર્મિક સમારંભો અથવા મંદિરોમાં ક્યારેય પૈસા ન આપો. ધ્યાનથી જોશો તો ખબર પડશે કે તમે આવી નકારી આસ્થાને લઈ ભગવાન સાથે ધંધો કરી રહ્યા છે. હંમેશા આપવાની ભાવના સાથે મદદ કરવી જોઈએ.
8) માતા-પિતા સાથે ક્યારેય ખરાબ વર્તન ન કરો. લગ્ન પછી કે પહેલા હંમેશા યાદ રાખો કે માતા-પિતા ક્યારેય તેમના બાળકોનું ખરાબ ઇચ્છતા નથી. તેમના કાર્યો ખરાબ હોઈ શકે છે પરંતુ તેમનો ઈરાદો ખરાબ હોઈ શકે નહીં. માટે તે તમારા પ્રથમ ભગવાન છે તેમની સાથે કરેલો બદ્દવ્યવહાર જીવનમાં હમેંશા તમને ધિક્કાર અને મુશ્કેલી જ આપશે.
9) જો તમે કોઈના ચાહક હોવ તો પણ આંધળા ભક્ત ન બનો. સોશિયલ મીડિયા પર કોઈને આંધળી રીતે ફોલો કરશો નહીં. કોઈ હીરો, ગાયક, હીરોઈન, ગાયક પર્ફેક્ટ હોતા નથી. તેમની એક્ટિંગ લાઈફ અને રિયલ લાઈફમાં ઘણો તફાવત છે. સોશિયલ મીડિયા પર દેખાતી તેમની ખુશ જિંદગી વાસ્તવિક રીતે એટલી આનંદદાયી હોતી નથી.
10) વરિષ્ઠોની સલાહ સારી રીતે સાંભળશો. તેઓ તમારી ઉંમર વટાવી ચૂક્યા છે. તેઓ પાસે આ પૃથ્વી પર રહેવાનો તમારા કરતા વધારે અનુભવ છે. તમે તેમની વાત સાથે સહેમત ન હોવ તો પણ ક્યારેય તેમને અપમાનિત ન કરશો. તેમના આશિર્વાદમાં ખુબ જ શક્તિ હોય છે. અને જો મોટી ઉંમરે તેમને દૂ:ખ પહોંચે છે. તો તેની પીડાના હિસ્સેદાર તમે બનો છો.
11) આભાર માનો- જીવનમાં હંમેશા આભાર વ્યક્ત કરતા રહો. કોઈની સખત મહેનત અથવા સારા કાર્યો માટે આભાર માનવાનું ક્યારેય ભૂલશો નહીં. કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી વ્યક્તિ પોતાનું દુઃખ ભૂલી જાય છે અને ખુશ થઈ જાય છે. આ ભાવનાથી તમે પોતાના ઋણમાંથી મુક્તિ મેળવતા જાવ છો. તમે ભગવાનનો, પરિવારનો સૌ કોઈનો આભાર માનો છો. તમે રિક્ષાચાલકને પણ સલામ કરી શકો છો. તેનો અર્થ સમાજમાં દરેકને અભિવાદન કરવાની માનવતા લાવવાનો છે.
12) સ્ત્રીઓનું સન્માન કરવાનું ભૂલશો નહીં- જ્યારે કોઈ છોકરી શેરીમાં ચાલે છે, ત્યારે પાછળથી તેના વિશે ખરાબ ટિપ્પણીઓ કરશો નહીં. યાદ રાખો, તમારી એક બહેન છે અથવા છોકરી તમારી પત્ની હોઈ શકે છે. જ્યાં સ્ત્રીનું સન્માન જળવાતું નથી ત્યાં લક્ષ્મી સહિત ભગવાનનો પણ વાસ રહેતો નથી.
13) ગુસ્સામાં ક્યારેય નિર્ણય ન લો- ગુસ્સો હંમેશા ક્ષણિક હોય છે. પરંતુ પળભરમાં તે ભારે તબાહી મચાવવા સક્ષમ હોય છે. ગુસ્સામાં લીધેલો નિર્ણય પાછળથી પછતાવો જ આપે છે.
14) નવી વસ્તુઓ શીખવામાં રસ ગુમાવશો નહીં. આ માટે તમે અલગ-અલગ પુસ્તકો, સામયિકો, સામયિકો કે વેબસાઈટ વાંચી શકો છો. અને પોતાના જીવનને આનંદીત બનાવી શકો છો.
જીવન ખુબ જ સુંદર છે. બસ પોતાના મનને કાબુમાં રાખીને જીવનને અલગ નજરીયાથી જોવાની જરૂર છે. “મન કે જીતે જીત...મન કે હારે હાર...”