
ગોધરાની લેબર કોર્ટની કાર્યવાહી દરમિયાન ડાયસ ઉપર ચઢીને જજને બંધ કવરમાં લાંચ આપવાની કોશિશ કરતા દોડધામ મચી ગઈ હતી.
લોકોની હિંમત એટલી વધી ગઈ છેે કે જજને ચાલુ કોર્ટમાં લાંચની ઓફર કરવામાં પણ ખચકાતા નથી. સામાન્ય રીતે લાંચ રિશવતના ગુનાઓમાં કોઈ કામ કઢાવા માટે સરકારી બાબુઓને લાંચ આપવી પડતી હોય છે. એ બાબુઓ કોઈના થકી અથવા જાતે લાંચ સ્વીકારતા હોય છે. આવા કેસમાં એસીબી છટકું ગોઠવીને તેમની સામે કાર્યવાહી કરતી હોય છે. પણ, ગોધરામાં આથી સાવ વિપરીત ઘટના ઘટી છે. જેમાં ગોધરાની લેબર કોર્ટના જજને લાંચની ઓફર કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. જો કે જજે આ મામલે ગોધરા એસીબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં લાંચ આપનારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ભાદર પેટા વિભાગના રોજમદાર બાબુભાઇ ધીરાભાઈ સોલંકીએ આજે ગોધરાની લેબર કોર્ટની કાર્યવાહી દરમિયાન ડાયસ ઉપર ચઢીને જજને બંધ કવરમાં લાંચ આપવાની કોશિશ કરતા દોડધામ મચી ગઇ હતી. આ મામલે બાબુભાઇ સોલંકીને પકડી ગોધરા એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો)ને સોપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાનમ યોજના અંતર્ગત ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજવતા મૂળ મહિસાગર જિલ્લાના બાબુભાઇ ધીરાભાઈ સોલંકી કે જેમને વર્ષ 2018માં કચેરી તરફથી નોકરીમાંથી છૂટા કરાયા હતા.
આ મામલે વર્ષ 2023માં બાબુભાઇએ પોતાને પુનઃ નોકરી ઉપર લેવા માટે ગોધરાની લેબર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.આ કેસની સુનાવણી ચાર-પાંચ વર્ષથી કોર્ટમાં ચાલી રહી છે. કેસ સંદર્ભે બાબુભાઇ છેલ્લા ચાર પાંચ દિવસથી લેબર કોર્ટ ગોધરા ખાતે આવતા હતા. આજે તેમના કેસની સુનાવણીની તારીખ ન હોવા છતાં બાબુભાઇ સવારે લેબર કોર્ટમાં આવ્યા હતા અને કોર્ટની કાર્યવાહી શરૂ થયાના થોડા જ સમયમાં ડાયસ ઉપર ચઢી જઇને જજને એક બંધ કવર આપવાની કોશિશ કરી હતી. આ સમયે જજે બંધ કવર સ્વીકારવાની ના પાડીને કવર ખોલવા જણાવતા બાબુભાઇએ કવર ખોલ્યું હતું. જેમાં ચલણી નોટો હતી. આ દ્રશ્ય જોઇને જ્જ ચોંકી ઉઠ્યા હતા. ખુલ્લી કોર્ટમાં લાંચ આપવાની આ પ્રથમ ઘટના હતી. જ્જે તુરંત પોલીસ બોલાવી હતી અને સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસે બાબુભાઇ સોલંકીની ધરપકડ કરી હતી અને જ્જને લાંચ આપવાનો ગુનો બનતો હોવાથી ગોધરા પોલીસે આરોપીને ગોધરા એલસીબીના હવાલે કર્યો છે.
પંચમહાલ જિલ્લા લેબર કોર્ટમાં કોર્ટ કાર્યવાહી દરમ્યાન જજને બંધ કવરમાં લાંચ આપવાની કોશિશ કરવાના બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કવરમાં મુકેલા રૂપિયાની ગણતરી કરાતા રોજમદાર બાબુભાઇ ધીરાભાઈ સોલંકીએ કવરમાં રૂ.35,000 મુક્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે.પોલીસે આ મામલે બાબુ સોલંકીની પુછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બાબુ સોલંકીએ પોલીસને એવુ કહ્યું છે કે નડિયાદના કોઇ વ્યક્તિ દ્વારા તેને લાંચ આપવાનું કહેવામાં આવ્યુ હતું. જો કે પોલીસ દ્વારા હવે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરાઇ છે કે આ ગુનામાં કોની કોની સંડોવણી છે. બાબુ સોલંકીએ પૈસા કોઇની પાસેથી મેળવ્યા કે પછી બેંકમાંથી ઉપાડ્યા વગેરે બાબતોની પણ તપાસ થશે. જો કે જ્જને બદનામ કરવા માટેનું આ કાવતરૂ હોવાની ચર્ચા કોર્ટ સંકુલમાં ચાલી રહી છે.
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | Godhara Latest News | Godhara labour court judge bribe Case