OTT અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ અશ્લીલ કંટેટ ઉપર મૂકાશે લગામ, વર્તમાન કાયદાઓને કડક કરવા સરકારની તૈયારી!
સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ અશ્વલીલ અને વાંધાજનક સામગ્રીથી બાળકોને દૂર રાખવાની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે, પરંતુ કડક કાયદાકીય જોગવાઈઓના અભાવે, તેને ચલાવતી કંપનીઓ ભારતમાં કમાણી કરી રહી છે. સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાના રસ્તાઓ શોધવામાં આવી રહયા છે. સરકારી વય-સંબંધિત દસ્તાવેજોના ઉપયોગથી વ્યક્તિની ગોપનીયતા અને સાયબર સુરક્ષા સાથે ચેડાં થઈ શકે તેવા આશંકાથી સોશિયલ મીડિયા કંપનીઓને બાળકોને તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરવાથી રોકવામાં તેમની લાચારી બતાવવાની તક મળી છે. સર્વસંમતિનો માર્ગ શું હોવો જોઈએ તેના પર ચર્ચા ચાલુ છે. ભારત સરકારે હાલના કાયદાઓને વધુ કડક બનાવવા પર ચર્ચા અને સર્વસંમતિ સાધવાની પણ હાકલ કરી છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાની સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે બુધવારે એક બિલ પસાર કર્યું જેમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર રાખવાની જવાબદારી સંબંધિત કંપનીઓ પર નાખવામાં આવી છે. જો તે નિષ્ફળ જાય તો પાંચ કરોડ ઓસ્ટ્રેલિયન ડોલર (રૂ. ૨૭૪ કરોડ) સુધીના દંડની જોગવાઈ છે. મોટા ભાગના પક્ષોએ તેને ટેકો આપ્યો હોવાથી સેનેટમાંથી પણ તે પસાર થવાની ધારણા છે. જો ઓસ્ટ્રેલિયા આ કાયદાને લાગુ કરવામાં સફળ થાય છે, તો તે ચોક્કસપણે વિશ્વ માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે. અત્યાર સુધી કોઈપણ દેશમાં આવો કોઈ કાયદો લાગુ કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ઓસ્ટ્રેલિયન સરકારને સંબંધિત બિલ પર મતદાનને ઓછામાં ઓછા આવતા વર્ષે જૂન સુધી મુલતવી રાખવા વિનંતી કરી હતી. કંપનીઓએ દલીલ કરી હતી કે જ્યાં સુધી સરકાર વય-નિર્ધારણ ટેક્નોલોજી અને તેનો અમલ કેવી રીતે કરવો જોઈએ તેનો મૂલ્યાંકન અહેવાલ બહાર પાડશે નહીં ત્યાં સુધી કાયદો બનાવવો જોઈએ નહીં. સરકારે આ વિનંતી સ્વીકારી ન હતી.
અહીં, ભારતમાં, કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં કહ્યું કે, સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રીને રોકવા માટે વર્તમાન કાયદાઓને વધુ કડક બનાવવાની જરૂર છે. લોકસભામાં માહિતી અને પ્રસારણ મંત્રીએ કહયું કે સંસદીય સ્થાયી સમિતિએ આ મુદ્દા પર વિચાર કરવો જોઈએ. તેમણે આ બાબતે વધુ કડક કાયદા બનાવવા સર્વસંમતિ બનાવવા માટે પણ હાકલ કરી હતી. ભાજપના સાંસદ અરુણ ગોવિલના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા.
લોકસભામાં હોબાળા વચ્ચે અરુણ ગોવિલે સવાલ કર્યો કે ઓટીટી પ્લેટફોર્મ પર જે બતાવવામાં આવી રહયું છે તે ખૂબ જ અશ્લીલ છે. OTT પ્લેટફોર્મ પર આવતી આ સામગ્રી પરિવાર તરીકે સાથે બેસીને જોઈ શકાતી નથી. જેના કારણે આપણા નૈતિક મૂલ્યોનું પતન થયું છે. શું મંત્રી અમને કહી શકે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેક્સ કન્ટેન્ટને રોકવા માટે હાલની મિકેનિઝમ શું છે? આ પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે હાલનો કાયદો બહુ અસરકારક નથી. હાલના કાયદાને વધુ કડક બનાવવા માટે સરકાર પાસે શું પ્રસ્તાવ છે?
ઓસ્ટ્રેલિયાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બુધવારે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાના બિલની તરફેણમાં ૧૦૨ વોટ પડયા અને તેની વિરુદ્ધમાં માત્ર ૧૩ વોટ પડયા. બિલ હેઠળ, જો ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના એકાઉન્ટ્સ હોવાનું જણાયું તો Instagram, TikTok, Facebook, Snapchat અને X સહિતના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ૫૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર સુધીનો દંડ લાદવામાં આવશે. સોશિયલ મીડિયા કંપનીઓને પ્રસ્તાવિત કાયદાનું પાલન કરવાની વ્યવસ્થા કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે. તે પછી જ તેમના પર નાણાકીય દંડ લાદવામાં આવશે.
સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. મીડિયા કંપનીઓ યુઝરની ઉંમરની અધિકળતતાની ખાતરી કરવા માટે સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરશે નહીં. આ માટે સેનેટમાં સંશોધન બિલ રજૂ કરવામાં આવશે. તેનો અર્થ એ કે વપરાશકર્તાઓને પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ જેવી સરકારી ઓળખ પ્રદાન કરવાની જરૂર રહેશે નહીં. તેમને સરકારી સિસ્ટમો દ્વારા ડિજિટલ ઓળખ ફરજિયાત કરવાની પણ મંજૂરી આપવામાં આવશે નહીં.
ઓસ્ટ્રેલિયાની સંસદમાં ચર્ચા દરમિયાન ઘણા સ્વતંત્ર સાંસદોએ કહ્યું કે, આ કાયદો ઉતાવૃમાં બનાવવામાં આવી રહ્યો છે. તેથી તે બિનઅસરકારક સાબિત થઈ શકે છે. એક સાંસદે કહયું કે, આ કાયદાનો વાસ્તવિક હેતુ સોશિયલ મીડિયાને ડિઝાઇન દ્વારા સુરક્ષિત બનાવવાનો નથી, પરંતુ માતા-પિતા અને મતદારોમાં એવો ભ્રમ ઉભો કરવાનો છે કે સરકાર પગલાં લઈ રહી છે. વપરાશકર્તાઓની ગોપનીયતાને જોખમમાં મૂકી શકે છે અને માતાપિતાના તેમના બાળકોની સુખાકારી માટે નિર્ણય લેવાના અધિકાર પર અતિક્રમણ કરી શકે છે, અન્ય સાંસદે જણાવ્યું હતું. ઘણા માને છે કે આ પ્રતિબંધ બાળકોને દૂર કરી શકે છે, તેમને સોશિયલ મીડિયાના હકારાત્મક પાસાઓથી વંચિત કરી શકે છે અને તેમને ડાર્ક વેબ તરફ આકર્ષિત કરી શકે છે.
Home Page | gujju news channel | Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર | Latest Gujarati News LIVE | Online Gujarati News | Gujarati news headlines today | Gujarati News Channel | OTT અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ અશ્લીલ કંટેટ ઉપર મૂકાશે લગામ, વર્તમાન કાયદાઓને કડક કરવા સરકારની તૈયારી | Central-goverment-Calls-for-Stricter-Laws-to-Regulate-Social Media-and-OTT-Platforms-Obscene-content