
છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણી આવે ત્યારે હિંદુત્વના મુદ્દે ખુબ રાજકારણ ગરમાય છે. અને લોકો પાસે ધર્મના નામે વોટ માગવામાં આવે છે. ત્યારે આ વખતેની વિધાનસભાની ચૂંટણીમાં પણ ધર્મના નામે રાજકારણ શરૂ થઈ ગયું છે. કેજરીવાલ હિંદુ વિરોધી અને મુસ્લીમ હોવાનો આરોપ સાથે પોસ્ટર વોર શરૂ થયું છે.
ચૂંટણી પહેલાં પોસ્ટર વોર
'હું ઈશ્વરને માનીશ નહીં' તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવવામાં આવ્યાં છે. કેજરીવાલ હિન્દુ વિરોધી હોય તેવા પોસ્ટરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સામે આવ્યા છે. આ પોસ્ટર કોણે લગાવ્યા છે તે અંગે કોઈ માહિતી મળી નથી, પરંતુ શુક્રવારે દિલ્લીની AAP સરકારના મંત્રીએ બોદ્ધ ધર્માતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હિન્દુ ધર્મનો ત્યાગ કરવાના શપથ લેવાતા હતા. અને આજ કારણથી ગુજરાત ભાજપમાં રોષ ભભૂક્યો હતો. અને કેજરીવાલની સરકાર હિંદુ વિરોધ હોવાનો આક્ષેપ કર્યો હતો. પરંતુ આજે કેજરીવાલને મુસ્લિમ બતાવીને હિંદુ વિરોધી કામ કરતા હોવાના બેનરો લાગ્યા છે.
AAPના કાર્યકર્તાઓએ બેનરો હટાવ્યા
રાજકોટમાં AAPના કાર્યકર્તાઓ દ્વારા આ બેનર હટાવવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનરો ફાડવામાં આવ્યા હતા ત્યારે હવે કેજરીવાલ વિરોધી પોસ્ટરો ન ફાટે તે માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. જો કે આ મામલે મનપાના એસ્ટેટ વિભાગના ચેરમેન અને કોર્પોરેટર દિલીપ લુણાગરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ કંપનીને બોલાવીને પોસ્ટરો દૂર કરાશે.
શું લખ્યું છે બેનરમાં
અમદાવાદ, સુરત અને રાજકોટમાં લાગેલાં બેનરમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુસ્લિમ પોશાક અને ટોપી સાથેની તસવીર બેનરમાં લગાવવામાં આવી છે, જેમાં 'હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહિ, આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર' એવું બેનરમાં લખવામાં આવ્યું છે. આમ, ગુજરાતમાં એક તરફ આપના જોરશોરના ચૂંટણી પ્રચાર વચ્ચે બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે.
હિન્દુઓની લાગણી દુભાણી છે: શિક્ષણ મંત્રી
આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેજરીવાલના મંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે હિન્દુ ધર્મ વિરોધી છે. માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ નહીં પરંતુ ગુજરાતભરના હિન્દુઓની લાગણી દુભાણી છે. તેના જ કારણે આવા બેનરો લાગ્યા છે.
લોકોને કંઈક જુદું બતાવીને શું સાબિત કરવા માગો છો: મંત્રી રૈયાણી
નોંધનીય છે કે ગઈકાલે મંત્રી અરવિંદ રૈયાણીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી AAP પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાજેન્દ્ર પાલે જાહેર મંચ પરથી ધર્મપરિવર્તનની વાત કરી છે. આદિકાળથી આપણે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છીએ. પછી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કૃષ્ણ, રામ સાથે જોડાયેલા છીએ. ક્યાંક ને ક્યાંક લોકોને ફ્રી આપવાનું, ધર્મપરિવર્તન કરાવવાનું બંધ કરો. આ દેશના લોકોને કંઈક જુદું બતાવીને શું સાબિત કરવા માગો છો. ભગવાન રામની કથા હોય કે કૃષ્ણની ભાગવત હોય, એનો વિરોધ કરે છે. આવા નિવેદન બદલ તેમની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ.
આ પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ: AAPના નેતા
આ મામલે રાજકોટ AAPના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મીડિયાને જણાવ્યું હતું કે હું પણ હિન્દુ છું અને કેજરીવાલ પણ હિન્દુ છે અમને હિન્દુ હોવાનો ગર્વ છે પરંતુ હિન્દુત્વના નામે આ પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ. અમે લોકો ગુજરાતમાં વિકાસના કામો કરવા જઈ રહ્યા છીએ એટલે અમારો આ પ્રકારે ખોટી રીતે વિરોધ થઈ રહ્યો છે બેનર લગાવીને ભાજપ શું સાબિત કરવા માંગે છે એ ખબર નથી પડતી.
સમગ્ર મુદ્દે ભાજપ અને હિંદુ સમાજ રોષે ભરાયો છે. તો બીજી તરફ AAP પાર્ટી સ્પષ્ટતા કરવામાં ઉણી ઉતરી છે. અને હવે ચૂંટણી ટાણે પોસ્ટર વોર સિવાય હજુ ઘણું સામે આવી શકે છેે. ત્યારે કંઈ પાર્ટી જનતાનો મિજાજ જિતવામાં સક્ષમ થાય છે તે આગામી સમય જ નક્કી કરશે.
AAP - POSTER WAR -gujarat news - news channel - gujju news channel - rajkot aap kejrival poster war - gujarat rajkaran