
તા. 01/04/2005 પહેલા વિવિધ સંવર્ગના ફિક્સ પગારમાં નિમણૂંક કરાયેલા 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈધ્ધાંતિક સ્વીકાર: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
Gujarat Goverment On OPS : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના લાખો કર્મચારીઓના હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. મંત્રી મંડળની બેઠક બાદ આ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ''ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે''.
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, "મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આવે તે સંદર્ભે મંત્રી મંડળના સભ્યોની કમિટી રચવામાં આવી હતી. આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડની સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજી હતી, જેના પરિણામે આજે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું આજે સુખદ સમાધાન આવ્યું અને આ મહત્વના નિર્ણયો લેવાયા છે". નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે, "તા. 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક મેળવનાર કર્મચારીઓની નિમણૂંક હુકમની શરતો અનુસાર તેમની ફિક્સ પગારની સેવા, નિવૃતિ વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર ગણાશે નહીં, તેવો ઉલ્લેખ હતો. જે તે કર્મચારીઓએ આ બાબતે લેખિતમાં બાહેધરી પણ આપી હતી, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક કર્મચારી અને તેમના પરિવારજનોના હિતાર્થે આ લાભો રાજ્યના આવા 60 હજારથી વધુ કર્મચારીઓને આપવાનો સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે".
"રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે, તા. 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂંક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા.01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂંક તા. 01/04/2005 પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે. જેનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે", તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, "કર્મચારી મંડળો દ્વારા ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થુ તેમજ વયનિવૃતિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમાં પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ જે અત્યારે બેઝીક પગારના ૫ કે ૧૦ ટકા આપવામાં આવે છે, તેને સાતમાં પગાર પંચ મુજબ આપવામાં આવે, મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થાના દર સુધારવામાં આવે તેમજ વયનિવૃતિ અને અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવાની બાબતોને લગતી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી".
"મુખ્યમંત્રીની આગેવાની હેઠળ કેબીનેટ બેઠકમાં ઉપરોક્ત તમામ માંગણીઓને સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરાયો છે. જેનો વિગતવાર ઠરાવ વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. સરકારી કર્મચારીઓના હિતમાં સ્વીકાર કરાયેલા જુની પેમુન્શન યોજના સિવાયના નિર્ણયોમા રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક આશરે રૂ. 200 કરોડથી વધુની રકમનું ભારણ પડશે", તેમ મંત્રી ઉમેર્યું હતું.
નિવૃતિ સમયે કર્મચારીના પગારની અડધી રકમ પેન્શન તરીકે આવે છે. કર્મચારીના છેલ્લા બેઝીક પગાર અને મોંઘવારી ભથ્થા પ્રમાણે પેન્શન નક્કી થાય છે. કર્મચારીઓના પગારમાંથી રૂપિયા કપાતા નહતા. કર્મચારીઓને સરકારની તિજોરીમાંથી પેન્શન ચુકવવામાં આવે છે. પેન્શન સ્કીમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી મળે છે અને નિવૃત કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારના સભ્યને પેન્શન મળે છે. કર્મચારીઓને દર 6 મહિના પછી DA આપવાની જોગવાઈ છે.
NPSમાં કર્મચારીના પગારમાંથી 10% રકમ કપાય છે. GPFની કોઈ સુવિધા નથી તેમજ NPS શેરબજાર ઉપર આધારીત છે. નિવૃતિ પછી પેન્શન મેળવવા NPSમાં ફંડના 40% રોકાણ કરવું પડે છે. નિશ્ચિત પેન્શનની કોઈ ગેરેન્ટી હોતી નથી. NPS સ્ટોકમાર્કેટ આધારીત છે એટલે ટેક્સની જોગવાઈ લાગુ પડે છે. 6 મહિના પછી DA મળે એવી કોઈ જોગવાઈ નથી. નવી પેન્શન યોજનામાં કર્મચારી નિવૃતિ સમયે 60% રકમ ઉપાડી શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat-Goverment-taken-action-on-old-pension-scheme-of-government-employees , ગુજરાત સરકારની સરકારી કર્મચારીઓને ભેટ! 1 એપ્રિલ 2005 પહેલાના કર્મીને મળશે જૂની પેન્શન યોજનાનો લાભ , OPS