
Hatkeshwar Bridge : અમદાવાદનો હાટકેશ્વર તોડી નવા બ્રિજ માટે અંદાજિત 42 કરોડનો ખર્ચ થશે. પરંતું બનેલો બ્રિજ તોડવા 52 કરોડનો ખર્ચ કરાશે
અમદાવાદના બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ બ્રિજને વિવાદોનું ગ્રહણ લાગ્યું છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ જર્જરિત હોવાથી છેલ્લા બે વર્ષથી બંધ છે. .અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે માથાનો દુઃખાવો બની ગયેલો આ બ્રિજ તોડી પાડવા ચાર વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ બ્રિજ વર્ષ 2017માં અજય ઈન્ફ્રા નામની કંપની દ્વારા 42 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. ત્યારે અજય ઈન્ફ્રાએ દાવો કર્યો હતો કે આ બ્રિજની ઉંમર 100 વર્ષ હશે. પરંતુ તેના નિર્માણના માત્ર 5 વર્ષ બાદ જ આ બ્રિજની મજબૂતાઈ પર સવાલો ઉઠવા લાગ્યા હતા.
આ બ્રિજની સ્ટેબિલિટી ટેસ્ટ કરાવવામાં આવી હતી, જેના અલગ-અલગ એજન્સીઓએ આપેલા અહેવાલો મુજબ આ પુલના નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થતાં આ પુલને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં મહાનગરપાલિકાએ આ પુલને તોડવા માટે ચાર વખત ટેન્ડર બહાર પાડ્યા હતા, પરંતુ ત્રણ ટેન્ડરમાં પણ કોઈ કંપની જર્જરિત પુલ તોડવા તૈયાર નથી. આખરે ચોથી વખત સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ફરી એકવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.
હવે રાજસ્થાનની કંપની રૂ.52 કરોડનો વર્ક ઓર્ડર લઈને જર્જરિત પુલ તોડવાની તૈયારી કરી રહી છે. વર્ષ 2017માં 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 52 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આગામી બે સપ્તાહમાં તમામ નિયમો મુજબ પુલ તોડી પાડવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવશે. આ પુલને તોડવામાં 18 મહિનાનો સમય લાગશે. જેના માટેનો ખર્ચ આ બ્રિજ બનાવનારી કંપની અજય ઈન્ફ્રા પાસેથી વસૂલવામાં આવશે.
રિપોર્ટમાં બ્રિજના બાંધકામમાં એક નહીં પણ અડઢક ખામીઓનો ઉલ્લેખ થયો હતો. મુંબઈ બેઝ ઈ ક્યુબ કોન્ક્રીટ કન્સલ્ટીંગ કંપની દ્વારા કરાયેલા NDT એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટમાં બ્રિજના કોર સેમ્પલ લઇ તેનું અલ્ટ્રા પલ્સ વેલોસીટી ટેસ્ટ, કોર ડેન્સિટી, વોટર એબ્સોર્પશન, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, સિમેન્ટ કોન્ટેન્ટ જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. AMC અને સરકાર માન્ય બે લેબોરેટરી પાસેથી ખુદ મનપાએ અલ્ટ્રા પલ્સ વેલોસિટી અને કોન્ક્રીટ કોર ટેસ્ટનો રિપોર્ટ કઢાવ્યો હતો. આ રિપોર્ટ મુજબ 45 મીટર સ્પાનના PSC બોક્સના ઉપરનો સ્લેબ, નીચેનો સ્લેબ, વેબ આમ બધા જ ભાગોમાં કોંક્રિટની સ્ટ્રેન્થ ખુબ જ ઓછી છે. રિપોર્ટમાં ખુલાસો થયો હતો છે કે, જેટલી મજબૂતીનો બ્રિજ બનવવાના ખર્ચનું આયોજન હતું. તેના માત્ર ચોથાભાગનો માલ બ્રિજ પાછળ વાપરવામાં આવ્યો છે.
અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ છેલ્લા બે વર્ષથી બંધ છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકો સૌથી વધુ પરેશાન છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષમાં 20થી વધુ અરજીઓ પ્રશાસનને આપવામાં આવી છે. અનેક વખત વિરોધ પ્રદર્શનો થયા છે. પરંતુ ભ્રષ્ટાચારનો આ પુલ છેલ્લા બે વર્ષથી આટલી જર્જરિત હાલતમાં ઉભો છે. આ પુલના કારણે લોકો સર્વિસ રોડ પર ચાલી પણ શકતા નથી. ટ્રાફિક જામથી દરેક લોકો પરેશાન છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , hatkeshwar bridge will be demolished for rs 52 crore , અમદાવાદ હાટકેશ્વર બ્રિજ 52 કરોડમાં તોડી પડાશે