
Vadodara MGVCL Electricity Smart Meter Controversy : સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું. આખરે સ્માર્ટ મીટર છે શું? કેમ તેનો થઈ રહ્યો છે વિરોધ? જુઓ આ અહેવાલમાં....
વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર સામેના સ્વયંભૂ વિરોધની આગ અલગ અલગ વિસ્તારોમાં ઝડપભેર પ્રસરી રહી છે. આજે સમા વિસ્તારના રહેવાસીઓનો મોરચો સ્માર્ટ મીટરના વિરોધમાં જીઈબીની સમા વિસ્તારની કચેરી ખાતે પહોંચ્યો હતો. લોકોએ જીઈબીની કચેરી માથે લીધી હતી અને ભારે હોબાળો મચાવીને રામધૂન બોલાવી હતી તેમજ એમજીવીસીએલ તથા સરકારના હાય...હાયના નારા બોલાવ્યા હતા. મહત્વનું છે કે, સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે, સાદા મીટરમાં વીજ ચોરી થઈ શક્તી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે, સાદા મીટરમાં સ્માર્ટ ફોનની જરૂર પડતી નહતી. સ્માર્ટ મીટરમાં સ્માર્ટ ફોન ફરજિયાત રહેશે, સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બીલ ભરવામાં કોઈ સમસ્યા આવતી નહતી.
આ ટોળામાં સેંકડો મહિલાઓ પણ સામેલ હતી અને આ પૈકીના એક વૃધ્ધ મહિલા તો રજૂઆત કરતા કરતા રડી પડયા હતા.તેમણે કહ્યુ હતુ કે, હું તો ભાડે રહું છુ અને મારા ઘરની મહિનાની આવક 10000 રૂપિયા પણ માંડ છે. મારી ઘરે જ્યારે સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા ત્યારે મેં તેમને કહ્યું હતું કે, હું તો ભાડે રહું છું અને મારે તમારૂ સ્માર્ટ મીટર નથી જોઈતુ ત્યારે તેમણે મને કહ્યું હતું કે, જો નવુ મીટર નહીં લગાવવા દો તો અમે તમારૂ જૂનુ મીટર લઈ જઈશું અને તમારે ફરી મીટર જોઈતુ હશે તો 5000 રૂપિયા દંડ ભરવો પડશે. તેમણે મકાન માલિકને ફોન કરીને બોલાવ્યા હતા અને સ્માર્ટ મીટર લગાવી દીધું હતું. તે વખતે ખબર નહોતી કે આવા ભવાડા આ લોકો કરવાના છે...
મહિલાએ રડતા રડતા કહ્યું હતું કે, પહેલા તો બિલ ભરવા માટે સમય પણ મળતો હતો અને હવે તો તરત જ પૈસા આપવાના હોય છે તો પૈસા ક્યાંથી કાઢવાના ..ગરીબ માણસો બોલી પણ નથી શકતા..ખાવા માટે પૈસા રાખીએ કે નહીં..મોદીને બટાકાનો ભાવ પણ ખબર છે ખરો...બધાને પોતાના ખિસ્સા ભરવા છે..ગરીબ માણસ કેવી રીતે જીવે છે તેની ખબર છે ખરી? ગરીબ માણસોના મત પર મોદી જીત્યા છે...
ટોળામાં હાજર ઘણા લોકોએ પોતાનુ બિલ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વધારે આવ્યુ હોવાની ફરિયાદો કરી હતી. લોકોએ વીજ કચેરીમાં ડેપ્યુટી એન્જિનિયરને કહ્યું હતું કે, ત્રણ દિવસમાં તમારા સ્માર્ટ મીટરો કાઢીને જૂના નાંખી જાવ, નહીંતર અમે ફરી આંદોલન કરીશું.
અન્ય એક રહેવાસીએ કહ્યું હતું કે, મારૂ બે મહિનાનુ બિલ 1274 રૂપિયા આવ્યુ હતુ. 29 એપ્રિલે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અત્યાર સુધીનું બિલ 1300 રૂપિયા આવી ગયુ છે. મારૂ કનેક્શન કપાયુ તો મારે ફરી રિચાર્જ કરવું પડયું છે.
એક મહિલાએ કહ્યું હતું કે, મારા 3500 રૂપિયા જમા બોલતા હતા. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ જોત જોતામાં 2700 રૂપિયા કપાઈ ગયા હતા. અમને કશી ખબર પડતી નથી. અમારી પાસે તો સ્માર્ટ ફોન પણ નથી.
અન્ય એક રહેવાસીએ જણાવ્યું હતું કે, મારૂ બે મહિનાનુ બિલ 2500 રૂપિયા જેટલુ આવતું હતું અને સ્માર્ટ મીટર લાગી ગયા બાદ 20 દિવસમાં જ 2200 રૂપિયા કપાઈ ગયા છે..આવુ કેવી રીતે શક્ય બને તે સમજાતુ નથી..
એક સ્થાનિક આગેવાને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, ગરીબ અને મિડલ ક્લાસને સ્માર્ટ મીટરની કોઈ જાણકારી નથી..સ્માર્ટ મીટર લગાવવા હોય તો ઉદ્યોગપતિઓના ઘરે લગાવો...સરકાર જો વીજ મીટરો લગાવવા માટે બળજબરી કરશે તો અમે ગાંધીનગર સુધી પણ આંદોલન કરીશું, જનતા આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને ઘરે બેસાડશે.
દરમિયાન વીજ કંપનીના અધિકારીએ પણ સ્વીકાર્યુ હતું કે, લોકોમાં સ્માર્ટ મીટર લગાવતા પહેલા બહોળો પ્રચાર કરવાની જરૂર છે અને અમે લોકોને કહ્યું છે કે, તમને કોઈ સમસ્યા હોય તો અરજી આપો. અમે લોકોના ઘરે ચેક મીટર બેસાડવા માટે તૈયાર છે અને તેમને વીજ બિલની ગણતરી સમજાવવા માટે પણ તૈયાર છે. સ્માર્ટ મીટરો પાછા લેવાની લોકોની જે લાગણી છે તે હું ઉપરી અધિકારીઓ સુધી પહોંચાડીશ.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Smart Meter bill hike Controversy Vadodara people protest against power company : Vadodara MGVCL Smart Meter Controversy - Electricity Smart Meter Protest - સ્માર્ટ સીટીમાં સ્માર્ટ મીટરનો વિરોધ